જૂનાગઢ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના બેલ્ટમાં આકાશી આફત આભ ફાટ્યું હોય તેમ વરસી રહી છે. માંગરોળ તાલુકામાં પડેલા અતિભારે વરસાદના પરિણામે સ્થાનિક નદી-નાળાઓ પૂરના પાણીથી ઉભરાઈ ગયા છે. આ પૂરની સૌથી ગંભીર અસર માંગરોળના હુસેનાબાદ પાસે જોવા મળી છે, જ્યાંથી પસાર થતી નોળી નદીમાં આવેલા ઘોડાપૂરના કારણે હાઇવે પર બનેલો બ્રિજ અને તેને જોડતો આખો પાકો રસ્તો પૂરના પાણીમાં કાગળની જેમ ધોવાઈ ગયો છે.
માંગરોળમાં ભારે વરસાદે મચાવી તબાહી
https://www.instagram.com/reel/DaXEJ-HD0T_/?utm_source=ig_web_button_share_sheet
રસ્તા ધોવાતા વાહનોની કતારો, લોકો હેરાન-પરેશાન
દ્વારકા-સોમનાથ નેશનલ હાઇવે સૌરાષ્ટ્રના બે સૌથી મોટા ધાર્મિક કેન્દ્રોને જોડતો હોવાથી અહીં ચોવીસ કલાક વાહનોની ભારે અવરજવર રહે છે. હુસેનાબાદ પાસે રસ્તો મધ્યમાંથી ધોવાઈ જતાં બંને તરફનો વાહન વ્યવહાર તુરંત જ અટકાવી દેવામાં આવ્યો છે. રસ્તો બંધ થવાના કારણે એસ.ટી. બસો, ખાનગી લક્ઝરીઓ, માલવાહક ટ્રકો અને પ્રવાસીઓની નાની કાર રસ્તા વચ્ચે જ ફસાઈ ગઈ છે. ખાવા-પીવાની કોઈ સુવિધા ન હોવાથી અટવાયેલા પ્રવાસીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પ્રશાસન એક્શન મોડમાં, ડાયવર્ઝન અપાશે
ઘટના અંગેની માહિતી મળતા જ જૂનાગઢ પોલીસ અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્પોટ પર પહોંચી ગયા છે. કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે ધોવાયેલા રસ્તાની બંને બાજુ બેરિકેડ્સ ગોઠવી દેવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા માર્ગો પર અટવાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અથવા નજીકના વૈકલ્પિક ગ્રામ્ય રસ્તાઓ પરથી વાહનોને ડાયવર્ટ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, નદીમાં પાણીનો પ્રવાહ હજુ પણ તેજ હોવાથી રસ્તાનું સમારકામ પાણી ઓસર્યા બાદ જ શક્ય બનશે તેમ લાગી રહ્યું છે.
આ પણ વાંચો: Dang Rain: સાપુતારામાં ધુમ્મસનું સામ્રાજ્ય, રસ્તા પર વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો અટવાયા