ભાવનગર શહેરમાં મેઘરાજાએ ધામા નાખ્યા છે. ગઈકાલે મોડી રાત્રે શહેરમાં વાદળ ફાટ્યું હોય તેમ માત્ર બે કલાકમાં સાડા ચાર ઇંચ (4.5 ઇંચ) જેટલો મુશળધાર વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે શહેરના અનેક રાજમાર્ગો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. આજે સવારે મેઘરાજાએ બે કલાકનો વિરામ લેતા વહીવટી તંત્ર અને નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને પાણી ઓસરવાનું શરૂ થયું હતું, પરંતુ સવારના નવ વાગ્યા આસપાસ અચાનક ફરી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ઝરમર વરસાદી ઇનિંગ શરૂ થઈ ગઈ છે.

મુખ્ય હબ અને સર્કલો પર વરસાદની અસર

શહેરના સૌથી મોટા રહેણાંક વિસ્તાર ગણાતા કાળિયાબીડ અને હરિઓમ નગરમાં અત્યારે સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત, શહેરની આર્થિક અને સામાજિક ગતિવિધિના કેન્દ્ર સમાન જ્વેલર્સ સર્કલ, શિવાજી સર્કલ અને નિલમબાગ પેલેસ રોડ પર પણ વરસાદી માહોલ જામ્યો છે. ઝરમર વરસાદના કારણે રસ્તાઓ પર ચીકાશ થતાં દ્વિચક્રી વાહનચાલકો સ્લિપ ન થઈ જાય તે માટે સાવચેતીપૂર્વક વાહન ચલાવી રહ્યા છે. શાળાએ જતા બાળકો અને ઓફિસે જતા કર્મચારીઓ રેઈનકોટ અને છત્રી સાથે ઘરની બહાર નીકળતા જોવા મળ્યા હતા.

તંત્ર દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા

મહાનગરપાલિકાની ફ્લડ કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ, ગત રાત્રિના ભારે વરસાદના કારણે જ્વેલર્સ સર્કલ અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાયા હતા, તેને કમ્પ્રેશર મશીનો અને સક્શન પંપ દ્વારા નિકાલ કરવાની કામગીરી ચાલુ હતી, ત્યાં જ ફરી વરસાદ શરૂ થતાં કામગીરી નડી રહી છે. જો આગામી કલાકોમાં આ ઝરમર વરસાદ ધોધમાર વરસાદમાં ફેરવાશે, તો શહેરમાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હાલ પૂરતી તો આ વરસાદી હેલીએ ભાવનગરમાં અસહ્ય ગરમી અને બફારાને ગાયબ કરી દીધો છે, જેથી પ્રજા રોમેન્ટિક અને આહલાદક વાતાવરણનો આનંદ માણી રહી છે.

આ પણ વાંચો: Aravalli Rain: મેઘરજ અને માલપુર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ધરતીપુત્રોમાં હર્ષની હેલી