છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આજે વહેલી સવારથી શરૂ થયેલા મેઘતાંડવે ભારે તારાજી સર્જી છે. નસવાડી અને તેના ઉપરવાસના વિસ્તારોમાં મેઘરાજાએ રમઝટ બોલાવતાં માત્ર બે જ કલાકના ટૂંકા ગાળામાં 54 મીમી (2 ઇંચ) જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો છે. તીવ્ર વરસાદના કારણે નસવાડી ટાઉનના મુખ્ય બજાર વિસ્તારો અને રસ્તાઓ પર નદીઓની જેમ પાણી વહેવા લાગ્યા છે.
અશ્વિની નદીમાં ભયાનક ઘોડાપૂર આવ્યું
https://twitter.com/sandeshnews/status/2083020747442966628
નસવાડીમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ
વરસાદી પાણીના સતત આવરા અને ઉપરવાસમાંથી આવેલા વિપુલ જળજથ્થાને કારણે નસવાડીની જીવાદોરી સમાન અશ્વિની નદીમાં ભયાનક ઘોડાપૂર આવ્યું છે. નદી બે કાંઠે રૌદ્ર સ્વરૂપે વહેતી થતાં સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ઈદગાહની પારી પર યુવક ફસાયો - તંત્ર સમક્ષ રેસ્ક્યૂની ગુહાર
અશ્વિની નદીમાં અચાનક આવેલા ઘોડાપૂરના કારણે નદી પરિસરમાં આવેલી ઈદગાહ/દરગાહ ચારે બાજુથી પૂરમાં ઘેરાઈ ગઈ છે. નદી વચ્ચે આવેલા આ ઈદગાહ સ્થાનકની સિંગલ પારી પર એક સ્થાનિક યુવક છેલ્લા બે કલાક કરતાં વધુ સમયથી ફસાયેલો છે. નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે એકલો ફસાયેલો આ યુવક પોતાના જીવના જોખમે મદદ માટે પોકાર પાડી રહ્યો છે. વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેને તાત્કાલિક સલામત રીતે બહાર કાઢવા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાય તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.
નદીમાં ટેન્કર તણાયું, દુકાનો ખાલી કરવાની પડી નોબત
અશ્વિન નદીના પ્રવાહની તાકાત એટલી તીવ્ર હતી કે નદી કિનારે કે પટમાં રહેલું એક પાણીનું ટેન્કર રમકડાની જેમ પૂરમાં તણાતું જોવા મળ્યું હતું. બીજી તરફ, નસવાડી ટાઉનમાં રસ્તાઓ પર ભરાયેલા પાણી હવે સીધા દુકાનો અને શોપિંગ સેન્ટરો સુધી પહોંચવા લાગતાં જળ હોનારતના ભયથી વેપારીઓ અને ગ્રામજનોએ પોતાની દુકાનોમાંથી કિંમતી સામાન ખાલી કરવાની ફરજ પડી છે.હાલ સમગ્ર નસવાડી ટાઉન અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ અત્યંત નાજુક બની છે. સ્થાનિક મામલતદાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને એલર્ટ કરવામાં આવી છે જેથી ફસાયેલા યુવકને વહેલી તકે બચાવી શકાય.
હેરણ નદી બે કાંઠે વહેતી થઈ
આ સાર્વત્રિક વરસાદને કારણે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી અને બીજી સૌથી મોટી ગણાતી હેરણ નદીમાં ભયાનક ઘોડાપૂર આવ્યું છે. ઉપરવાસના ડુંગરાળ વિસ્તારોમાંથી વિપુલ પ્રમાણમાં પાણીની આવક થતાં હેરણ નદી બે કાંઠે વહેતી થઈ છે.
આ પણ વાંચો: Ahmedabad News: ભારે વરસાદની આગાહીને પગલે શહેરના લેક અને ગાર્ડન બંધ કરાશે, લોકોને પ્રવેશ નહીં મળે