હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં આગામી બે દિવસ માટે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ આગાહીને પગલે નાગરિકોની સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં આપાયેલા બે દિવસના રેડ એલર્ટ દરમિયાન કાંકરિયા લેક ફ્રન્ટ સહિત શહેરના તમામ તળાવો અને જાહેર બગીચાઓ સામાન્ય લોકો માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.આ સમયગાળા દરમિયાન નાગરિકોને તેમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. 

નાગરિકોને તકેદારી રાખવા અને સહયોગ આપવા અપીલ

વરસાદી માહોલમાં તળાવોમાં પાણીનું સ્તર વધવાની અને બગીચાઓમાં વૃક્ષો કે ડાળીઓ ધરાશાઈ થવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને કોઈ અપ્રિય ઘટના ન ઘટે તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે.મનપા તંત્ર દ્વારા શહેરીજનોને પણ બે દિવસ બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા અપીલ કરવામાં આવી છે. શહેરના મેયર હિતેશ બારોટે નાગરિકોને તકેદારી રાખવા અને સહયોગ આપવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, નીચાણવાળા વિસ્તારના રહીશો માટે શહેરમાં આવેલા વિવિધ કોમ્યુનિટી હોલ તૈયાર કરી દેવામાં આવ્યા છે, જ્યાં તેમના રોકાણ અને રહેવાની તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.મ્યુનિસિપલ કોર્પોરેશન નાગરિકોની સેવા માટે પૂર્ણ રીતે કટિબદ્ધ છે. કોઈપણ પ્રકારની મુશ્કેલીના સમયે તંત્ર મદદ માટે સતત હાજર રહેશે જેથી પ્રજાએ ગભરાવાની જરૂર નથી.

તમામ અધિકારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ અધિકારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, તેમજ વાસણા બેરેજના દરવાજા ખોલીને નદીનું વોટર લેવલ અગાઉથી જ ઘટાડી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, શહેરમાંથી પાણીના નિકાલ માટે ૨૪૫ સ્ટ્રોમ વોટર પંપ અને ૩૪૫ ડ્રેનેજ લાઇનના પંપ કાર્યરત કરી દેવાયા છે અને કોઈ પણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડની ટીમો તૈનાત રાખવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને શક્ય હોય ત્યાં સુધી ઘરેથી જ કામ (Work from Home) કરવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: દેશના 15 રાજ્યોમાં 72 ટકા વરસાદની ઘટ, તો શું વરસાદ વગર જ ચોમાસુ પસાર થઈ જશે?