ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વ્યાપેલા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ અચાનક હવામાનમાં મોટો પલટો આવ્યો છે. ઉના શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં કડાકા-ભડાકા અને ઝડપી પવન સાથે ધમાકેદાર વરસાદનું આગમન થયું છે. માત્ર એક દિવસના વિરામ બાદ મેઘરાજા ફરી એકવાર મહેરબાન થતાં સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમી તથા બફારામાંથી મોટી રાહત મળી છે.
ગીર ગઢડા, ધોકડવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગો પર પાણી વહ્યા
આ વરસાદી આફત અને આશીર્વાદરૂપી ઝાપટાં માત્ર શહેર પૂરતા મર્યાદિત ન રહેતાં ગીર ગઢડા તાલુકાના ધોકડવા, સનોસરા, નવા ઉગલા, નાગડીયા અને મોટા સમઢીયાળા સહિતના વિશાળ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર સ્વરૂપે વરસ્યા હતા. મુસળધાર વરસાદના કારણે ગામડાઓના મુખ્ય રસ્તાઓ પરથી વરસાદી પાણી વહેતાં થઈ ગયા હતા. લાંબા સમય પછી પંથકમાં વરસેલા આ વરસાદથી ગ્રામીણ વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
