સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે જેના કારણે સર્વત્ર જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે.ખાસ કરીને હિંમતનગર શહેરમાં માત્ર એક જ કલાકમાં 2 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતાં આખું શહેર પાણી-પાણી થઈ ગયું છે.આ આકાશી આફતના લીધે હાથમતી ઓવરબ્રિજ સહિત શહેરના અનેક મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.જેને કારણે વાહનવ્યવહાર ભારે પ્રભાવિત થયો છે અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક જનજીવન પર વ્યાપક અસર પડી છે.

ગ્રામ્ય પંથકોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો

શહેર ઉપરાંત હિંમતનગર અને વિજયનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની ભારે મહેરબાની જોવા મળી છે.આખા દિવસના અસહ્ય ઉકળાટ અને વાદળછાયા વાતાવરણ બાદ પૂર્વના ગ્રામ્ય પંથકોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો.હિંમતનગરના ગાંભોઈ, રૂપાલ અને રાયગઢ તેમજ વિજયનગરના આતરસુંબા, અંદ્રોખા, ધોરીવાવ, ખેડાસણ, વજેપુર અને કઠવાવડી સહિતના આસપાસના તમામ ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. આ વરસાદના પગલે સમગ્ર પંથકમાં વાતાવરણ આહલાદક બની ગયું છે અને ઠંડક પ્રસરી ગઈ છે.

સમગ્ર પંથકમાં વાવણી લાયક સારો વરસાદ થયો

આ વરસાદ સાબરકાંઠાના ગ્રામીણ વિસ્તારો માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે. લાંબા સમયની પ્રતીક્ષા બાદ બરાબર જરૂરિયાતના સમયે જ અમૃત સમાન વરસાદ વરસતાં ધરતીપુત્રોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. પંથકમાં વાવણી લાયક સારો વરસાદ થઈ જતાં જગતનો તાત હરખાયો છે અને ખેતરોમાં વાવણીના કાર્યો શરૂ કરવા માટે ખેડૂતોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Ahmedabad Rain: શહેરના અનેક વિસ્તારોમાં મેઘમહેર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો