અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં મેઘ મહેર શરૂ થઈ ગઈ છે.લાંબા સમયની પ્રતીક્ષા બાદ શહેરમાં ધીમીધારે વરસાદી માહોલ જામ્યો છે.જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.હળવા વરસાદને કારણે નાગરિકોને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે અને આખું શહેર વરસાદી માહોલનો આનંદ માણી રહ્યું છે. આ વરસાદમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને છેડા ભીંજાયા છે.અમદાવાદમાં થન્ડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
શહેરમાં સરેરાશ 0.32 ઇંચ વરસાદ નોંધાયો છે
અમદાવાદ શહેરના લાલ દરવાજા, ખોખરા અને હાટકેશ્વર જેવા પૂર્વના વિસ્તારોની સાથે-સાથે એસ.જી. હાઇવે, માનસી સર્કલ અને બોડકદેવ જેવા પશ્ચિમના પોશ વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં સરેરાશ 0.32 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં ઉત્તર ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આશરે પોણો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં અંદાજે અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.આ તરફ ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.
