જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની અવિરત બેટિંગના કારણે જળપ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગિરનાર અને ઉપરવાસના પહાડી વિસ્તારોમાં પડેલા ભારે વરસાદનું પાણી સીધું ઓઝત નદીમાં ઠલવાઈ રહ્યું છે. જેના કારણે વંથલી તાલુકાની જીવાદોરી સમાન ઓઝત વિયર વંથલી ડેમ તેની ભયજનક સપાટી વટાવી ચૂક્યો હતો. ડેમની જળ સપાટી જાળવી રાખવા માટે સિંચાઈ વિભાગના અધિકારીઓની હાજરીમાં ડેમના 11 નહીં પરંતુ એકસાથે 12 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.

ઓઝત વિયર વંથલી ડેમ ઓવરફ્લો

https://www.instagram.com/reel/DaW3HqsgbRB/?utm_source=ig_web_button_share_sheet

2700 ક્યુસેક પાણીની જાવકથી નદી કિનારાના વિસ્તારો જોખમમાં

ડેમના 12 દરવાજા ખોલાતાની સાથે જ નદીના પટમાં 2700 ક્યુસેક પાણીનો જોરદાર પ્રવાહ છોડવામાં આવ્યો છે. આ અણધારી જળરાશિના કારણે ઓઝત નદી બંને કાંઠે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને વહી રહી છે. પૂરના પાણી હેઠવાસ તરફ આગળ વધી રહ્યા હોવાથી વંથલી તાલુકાના નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારે વસેલા કણઝા, ટીનમસ, વંથલી (ગ્રામ્ય), ટીકર, આખા અને પીપલાણા ગામના લોકોને સુરક્ષિત સ્થળે રહેવા માટે એલર્ટ કરી દેવાયા છે.

તંત્ર દ્વારા કડક મોનિટરિંગ અને એનાઉન્સમેન્ટ

જૂનાગઢ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા તમામ છ ગામોમાં લાઉડસ્પીકર અને ડંડી પીટીને માલધારીઓ તેમજ ગ્રામજનોને નદી કિનારે કે કોઝવે પર ન જવા માટે કડક ચેતવણી આપવામાં આવી રહી છે. પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમો દ્વારા નદી કિનારાના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જો ઉપરવાસમાં વરસાદનું જોર આવું જ રહ્યું તો ડેમમાંથી પાણીની જાવક વધારવામાં આવી શકે છે, જેને પગલે જરૂર પડે નીચાણવાળા ઘરોમાંથી સ્થળાંતર કરવા માટે સેલ્ટર હોમ પણ તૈયાર રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Vadodara: વાઘોડિયા ચોકડી પાસે ફાયરિંગ કરનારા બે શૂટરો છત્તીસગઢથી ઝડપાયા, જૂના વિવાદમાં સોપારી આપીને કરાયો હુમલો