ખેડા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા સેન્ટ્રલ ગુજરાત માટે જાહેર કરવામાં આવેલી વરસાદની આગાહી અક્ષરસઃ સાચી સાબિત થઈ છે. આજે વહેલી સવારથી જ સમગ્ર ખેડા જિલ્લાના આકાશમાં કાળાડિબાંગ વાદળોની ઘેરાબંધી જોવા મળી હતી, જે બાદ ગણતરીના કલાકોમાં જ વીજળીના ગડગડાટ સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. મોર્નિંગ અવર્સ દરમિયાન જ કપડવંજ પંથકમાં 1 ઇંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.
તમામ તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર
માત્ર કપડવંજ જ નહીં પરંતુ જિલ્લાના અન્ય મહત્વના તાલુકા મથકો જેવા કે કઠલાલ, મહેમદાવાદ અને મહુધા પંથકમાં પણ સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના મુખ્ય મથક નડિયાદ શહેરમાં પણ ધોધમાર વરસાદના કારણે વાતાવરણ સંપૂર્ણપણે ખુશનુમા બની ગયું છે. લાંબા સમયથી અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહેલા ચરોતરના નાગરિકોને આ વરસાદથી મોટી રાહત મળી છે અને ઠંડક પ્રસરતા લોકોએ હાસકારો અનુભવ્યો છે.
