ખેડા જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ચોમેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ખેડાના માતર તાલુકામાં વરસાદી પાણીએ ભારે તારાજી સર્જી છે. ચારેય તરફ પાણી જ પાણી ફરી વળતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. આકાશી આફતના કારણે સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

મુખ્ય રસ્તાઓ બંધ, સોલર પ્લાન્ટ અને ફેક્ટરીઓમાં પાણી ઘૂસ્યા

ભારે વરસાદી પ્રવાહને કારણે બામણગામ, દલોલી અને વાલોત્રી ગામને જોડતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. બામણગામ - દલોલી રોડ સંપૂર્ણપણે જળમગ્ન થઈ જતાં વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવા ઉપરાંત આસપાસ આવેલા પેટ્રોલ પંપ, સોલર પ્લાન્ટ તેમજ કેટલીક ફેક્ટરીઓ અને રહેણાંક વિસ્તારોમાં પણ પૂરના પાણી ઘૂસી જતાં ભારે નુકસાન થયું છે.

6200 વીઘાથી વધુ ખેતીની જમીન ગરકાવ, પાક નષ્ટ

પૂરના પાણીનો સૌથી મોટો ફટકો ખેડૂતોને પડ્યો છે. માતર તાલુકાના વિવિધ ગામોની હજારો વીઘા ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.

  • દલોલી: 3000 વીઘા જમીન પાણીમાં ગરકાવ
  • બામણગામ: 2000 વીઘા જમીન પાણીમાં ગરકાવ
  • વાલોત્રી: 1200 વીઘા જમીન પાણીમાં ગરકાવ

https://twitter.com/sandeshnews/status/2081025328265429470

ખેડૂતો પાયમાલીના આરે, વળતરની માગ

ખેતરોમાં 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ રહેતાં વાવેતર કરેલો તમામ પાક કહોવાઈને સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. મહેનત અને મોંઘા બિયારણો પાછળ કરેલો ખર્ચ પાણીમાં જતાં ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. ચોમેર નુકસાનના દ્રશ્યો વચ્ચે અસરગ્રસ્ત ખેડૂતો વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક દ્રષ્ટિએ સર્વે કરી યોગ્ય આર્થિક સહાય કે વળતર આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.


આ પણ વાંચો - Kheda: વણાંકબોરી ડેમ દોઢ ફૂટ ઓવરફ્લો, મહીસાગર નદી બે કાંઠે