ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં થયેલા અતિભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખેતરો,મકાનો, સોસાયટીઓ અને રસ્તાઓ બધે જ વરસાદી પાણીનો કહેર વર્તાયો છે. ચોમાસાની સિઝન હોવાથી ખેડૂતોએ પાકની વાવણી કરી હતી. આ પાકની વાવણી પર વરસાદને કારણે ખેડૂતોને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. મહેમદાવાદના નવા કુણા ગામમાં અનેક ખેતરો વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતાં વાવણી કરેલા પાક પર પાણી ફરી વળ્યું છે. 

મહેમદાવાદના કુણા ગામે જળબંબાકાર સ્થિતિ 

મહેમદાવાદ તાલુકાના કુણા ગામે ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.સમગ્ર પંથકમાં 25 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકતા ચારેય તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદના કારણે હીરાચંદની મુવાડી અને નવા કુણા ગામના ખેતરો જળમગ્ન બન્યા છે.હજારો વીઘા જમીનમાં વરસાદી પાણી ભરાઈ જવાથી ખેડૂતો દ્વારા કરવામાં આવેલી ડાંગરની રોપણી સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.જેનાથી ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

નુકસાનનો સર્વે કરી વળતર ચૂકવવાની માંગ ઉઠી

વરસાદની પાણીની વિકટ પરિસ્થિતિને ધ્યાને રાખીને સ્થાનિક સરપંચના પતિ દ્વારા સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગણી કરવામાં આવી છે.જળબંબાકારને કારણે ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.જેને પગલે સરકારે ત્વરિત ધોરણે વિસ્તારમાં થયેલા નુકસાનનો યોગ્ય સર્વે કરાવીને પીડિત ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવું જોઈએ તેવી ઉગ્ર માંગ ઊઠી રહી છે.


આ પણ વાંચોઃ Gujarat Weather: રાજ્યમાં હાલ અતિભારે વરસાદનું સંકટ ટળ્યું, સમાન્યથી મધ્યમ વરસાદની આગાહી