મહિસાગર જિલ્લામાં ચોમાસાના તોફાની મેઘરાજાએ સમગ્ર જિલ્લાને ધમરોળ્યો છે. લુણાવાડા, કડાણા, સંતરામપુર, વિરપુર અને ખાનપુર સહિતના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક ભારે વરસાદ નોંધાયો છે. અવિરત વરસતા વરસાદના કારણે જિલ્લાના બે મુખ્ય જળાશયો કડાણા ડેમ અને ભાદર ડેમમાં પાણીની વિપુલ આવક શરૂ થઈ ગઈ છે.

કડાણા ડેમ અને ભાદર ડેમમાં પાણીની આવક 

ડેમોમાં પૂરના નીરની આવક વધતાં જળસપાટી ઊંચી આવી રહી છે, જેને પગલે હેઠવાસના વિસ્તારોને પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, સતત વરસેલા વરસાદના લીધે લુણાવાડા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં નીચાણવાળા સોસાયટીઓ અને રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે.

જિલ્લા પોલીસ વડા (SP) નો ગ્રાઉન્ડ રિપોર્ટ

વરસાદી કટોકટી અને પૂર જેવી સ્થિતિ વચ્ચે પ્રજાને કોઈ હાલાકી ન પડે અને કાયદો-સુરક્ષા જળવાઈ રહે તે માટે મહિસાગર જિલ્લા પોલીસ વડા દ્વારા રૂબરૂ સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે લુણાવાડા તાલુકાના કોઠબા વિસ્તારમાં પહોંચીને જળમગ્ન થયેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી. પાણી ભરાયેલા રસ્તાઓ અને નીચાણવાળા મકાનોની સ્થિતિ જોઈ તેમણે સ્થાનિક રહીશો સાથે વાતચીત કરી સુરક્ષાની ખાતરી આપી હતી.

જિલ્લા પોલીસ વડા દ્વારા રૂબરૂ સમીક્ષા 

પોલીસ વડાએ સ્થાનિક પોલીસ મથકની ટીમોને આદેશ આપ્યો છે કે પાણી ભરાયેલા માર્ગો કે ભયજનક કોઝવે પરથી પસાર થતાં વાહનચાલકોને અટકાવવામાં આવે અને ત્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે. ઉપરાંત, જો પાણીનું સ્તર વધુ વધે તો નીચાણવાળા વિસ્તારના લોકોને સમયસર સલામત સ્થળે ખસેડવા માટે સ્થાનિક વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર ટીમો સાથે સતત સંકલન જાળવવા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Surat: તાપી નદીનો કોઝવે 7.1 મીટરે ઓવરફ્લો, જિલ્લામાં વરસાદનું યેલો એલર્ટ