મહુવા શહેર અને ગ્રામ્ય પંથક પર કુદરતનો પ્રકોપ વરસ્યો છે. છેલ્લા ૨૪ કલાકથી મહુવા પંથકમાં અવિરત અને અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ૨૪ કલાકના ગાળામાં જ તાલુકામાં અંદાજે 10 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકી જતાં નદી, નાળા અને કોઝવેમાં ઘોડાપૂર આવ્યા છે. આ આકાશી આફતે મહુવા તાલુકાના માર્ગ વ્યવહાર અને જનજીવનના લીરેલીરા ઉડાવી દીધા છે.
મહુવા શહેર અને ગ્રામ્ય પંથક પર કુદરતનો પ્રકોપ
https://twitter.com/sandeshnews/status/2073741502388593076
ભાદરોડ-કંટાસર માર્ગ ધોવાયો, ભારે વાહનો બંધ
ભારે વરસાદના પાણીના તીવ્ર ધસારાને કારણે મહુવાના ભાદરોડથી કંટાસર જવાનો મહત્વનો માર્ગ વ્યાપક પ્રમાણમાં ધોવાઈ ગયો છે. રસ્તાની પિચિંગ અને કપચી ધોવાઈ જતાં માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આ રસ્તા પરથી પસાર થતા તમામ ભારે (હેવી) વાહનોની અવરજવર પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જેના કારણે માર્ગની બંને બાજુએ ટ્રકો અને મોટા વાહનોની કતારો લાગી ગઈ છે.
બેટમાં ફેરવાયું બીલડી ગામ, લોકો આશ્રય લેવા મજબૂર
બીજી તરફ મહુવા ગ્રામ્ય વિસ્તારમાં સૌથી કપરી સ્થિતિ બીલડી ગામની થઈ છે. મહુવા શહેર અને ગ્રામ્યમાં વરસેલા અવિરત વરસાદના કારણે બીલડી ગામની આજુબાજુ પૂરના પાણી ફરી વળ્યા છે અને આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. મહુવાથી બીલડી ગામને જોડતો મુખ્ય રસ્તો જળમગ્ન થઈ જતાં ગામ સંપૂર્ણપણે સંપર્કવિહોણું બની ગયું છે. એટલું જ નહીં, ગામના નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પૂરના ગંદા પાણી ઘૂસી ગયા છે. ઘરોમાં પાણી ભરાઈ જવાથી અને બહાર નીકળવાનો કોઈ રસ્તો ન બચતા સ્થાનિક ગ્રામજનો પોતાના મકાનોમાં જ કેદ રહેવા મજબૂર બન્યા છે. સ્થાનિક પ્રશાસન અને મામલતદારની ટીમ દ્વારા અસરગ્રસ્તો સુધી ઇમરજન્સી સહાય અને ફૂડ પેકેટ્સ પહોંચાડવા માટેના લાઈવ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: Ahmedabad: આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે પૂરની આશંકા