મહેસાણાના વિસનગરમાંથી માર્ગ વ્યવસ્થાની પોલ ખોલતી ઘટના સામે આવી છે, જ્યાં ડૉક્ટર હાઉસ ડાયવર્ઝન રોડ પર અચાનક મસમોટો ભૂવો પડી ગયો હતો. આ ભૂવો એટલો ઊંડો હતો કે ત્યાંથી પસાર થઈ રહેલી એક એસટી બસ તેમાં ખાબકીને ફસાઈ ગઈ હતી. બસ અચાનક રોડ પર ફસાઈ જતાં મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જોકે સદનસીબે કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી.
ભ્રષ્ટાચારના કારણે રોડ બેસી ગયાનો આક્ષેપ
ચોમાસાની શરૂઆતમાં કે સામાન્ય વરસાદમાં જ આ રીતે માર્ગ પર મસમોટો ભૂવો પડી જતાં સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે રોડ બનાવવાની કામગીરીમાં લોટ પાણી ને લાકડા જેવો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. હલકી ગુણવત્તાવાળા કામના કારણે જ રોડ અચાનક નીચે બેસી ગયો છે અને તંત્રના ભ્રષ્ટાચારનો ભોગ સામાન્ય જનતા બની રહી છે.
