અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં હવામાનમાં અચાનક પલટો આવ્યા બાદ મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી હતી. મોડાસામાં માત્ર 15 મિનિટના ટૂંકા સમયગાળામાં જ અનરાધાર દોધમાર 1.5 (દોઢ) ઇંચ વરસાદ ખાબકી પડ્યો હતો. ટૂંક સમયમાં જ વરસેલા આ ધોધમાર વરસાદને કારણે સમગ્ર શહેર વિઝિબિલિટી ઘટી જવાની સાથે જળબંબાકારની સ્થિતિમાં મુકાઈ ગયું હતું.

ચાર રસ્તા અને મેઘરજ રોડ સહિતના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ

અચાનક તૂટી પડેલા ભારે વરસાદના કારણે મોડાસા શહેરના મુખ્ય માર્ગો પર નદીઓની જેમ પાણી વહેવા લાગ્યા હતા. શહેરના પ્રમુખ ચાર રસ્તા વિસ્તાર તેમજ મુખ્ય ગણાતા મેઘરજ રોડ પર બેટ જેવા દ્રશ્યો સર્જાયા હતા અને રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. માર્ગો પર જળભરાવ થવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓ અટવાયા હતા, જેના લીધે શહેરના વાહનવ્યવહાર પર માઠી અસર પહોંચી હતી.

વરસાદી ઝાપટાથી અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પ્રસરી ઠંડક

શહેરમાં નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનચાલકોને થોડી હાલાકી વેઠવી પડી હતી, પરંતુ બીજી તરફ આ વરસાદથી સ્થાનિક રહીશોને ભારે રાહત પણ મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી અસહ્ય ગરમી અને બફારા વચ્ચે આ ધોધમાર વરસાદ વરસતાં જ સમગ્ર મોડાસા શહેરમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી, જેથી લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી.

આ પણ વાંચો : Monsoon 2026 : સુરતમાં મેઘરાજાની બેટિંગથી જળબંબાકાર, ઉધના ભીમનગર અંડરપાસ બંધ, ઉદ્યોગનગરના ઘરોમાં પાણી ઘૂસ્યા