સુરત શહેરમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે વધુ એક મહત્વપૂર્ણ અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઉધના ભીમનગર-ડિંડોલી અંડરપાસમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર માટે તેને બંધ કરવાની ફરજ પડી છે. મહાનગરપાલિકાના તંત્ર દ્વારા બેરિકેટ્સ લગાવીને રસ્તો બંધ કરી દેવાતાં સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષો જૂની આ સમસ્યા હોવા છતાં મનપા દ્વારા યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ કે લાઇન ન બદલાતાં દર ચોમાસે નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
ઉદ્યોગનગરના ઝૂંપડપટ્ટી વિસ્તારના ઘરોમાં વહ્યા પાણી
અંડરપાસ ઉપરાંત ઉધના રોડ નંબર 6 પર આવેલ ઉદ્યોગનગર વિસ્તારમાં પણ જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે આસપાસના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારો સૌથી વધુ પ્રભાવિત થયા છે. નીચાણવાળા ઘરોમાં વરસાદી પાણી ફરી વળતાં લોકો પોતાના જ ઘરોમાંથી ડોલ અને વાસણો વડે પાણી બહાર કાઢવા માટે મજબૂર બન્યા છે, જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
