મોરબી જિલ્લામાં જળાશયોમાં પૂરના નીરની પ્રચંડ આવક નોંધાઈ રહી છે. મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ડેમ કેચમેન્ટ એરિયા અને ઉપરવાસના પંથકોમાં પડેલા અનરાધાર વરસાદના કારણે મચ્છુ-૨ ડેમમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે. આ પૂરનું પાણી સીધું મચ્છુ-3 ડેમમાં ઠલવાતાં ડેમની જળસપાટી ભયજનક મર્યાદા વટાવી રહી છે.

મચ્છુ-3 ડેમની જળસપાટી ભયજનક

સ્થિતિને નિયંત્રણમાં લેવા અને ડેમની સુરક્ષા જાળવવા માટે મચ્છુ-૩ ડેમના ૮ દરવાજા ૩ ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. ડેમમાંથી મચ્છુ નદીના પટમાં 20,088 ક્યુસેક પાણીનો તોતિંગ જથ્થો છોડવામાં આવી રહ્યો છે.

21 ગામોને એલર્ટ – તંત્ર દ્વારા કડક સૂચના

મચ્છુ-3 ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડાતાં નદીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે. આથી જિલ્લા કલેક્ટર અને ડિઝાસ્ટર વિભાગ દ્વારા મોરબી અને માળીયા મિયાણા તાલુકાના 21 જેટલા ગામોને તાત્કાલિક અસરથી એલર્ટ કરવામાં આવ્યા છે.નદી કિનારે આવેલા ગામોના સરપંચો, તલાટીઓ અને સ્થાનિક પોલીસને સતર્ક કરી દેવામાં આવ્યા છે. લોકોને મચ્છુ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં ન જવા, ઢોર-ઢાંખરને નદી કિનારેથી દૂર રાખવા અને જો પાણીનું સ્તર વધુ વધે તો તાત્કાલિક ઊંચાણવાળા કે સલામત સ્થળે ખસી જવા સ્પષ્ટ સૂચના જારી કરવામાં આવી છે. મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓની ટીમ ગ્રાઉન્ડ પર સતત પેટ્રોલિંગ કરી રહી છે.

આ પણ વાંચો: Kheda: વણાંકબોરી ડેમ દોઢ ફૂટ ઓવરફ્લો, મહીસાગર નદી બે કાંઠે