પાટણ શહેરમાં પડેલા ધોધમાર 2 ઇંચ વરસાદે જ નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાડી દીધા છે. વરસાદને કારણે શહેરના મોટિસરા અને પીપળા ગેટ સહિતના નીચાણવાળા વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર ઢીંચણસમા પાણી ભરાઈ જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને રાહદારીઓને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ધારાસભ્ય કિરીટ પટેલે ટ્રેક્ટર પર સવાર થઈ સ્થિતિનો તાગ મેળવ્યો

શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં જ પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ પોતે લોકોની વહારે આવ્યા હતા. તેઓ કોઈ લક્ઝરી કારને બદલે જાતે ટ્રેક્ટર ચલાવીને પાણીમાં ઉતરી પડ્યા હતા અને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ધારાસભ્યને આ રીતે રસ્તા પર ઉતરેલા જોઈને સ્થાનિકોએ પોતાની વ્યથા ઠાલવી હતી.

દર ચોમાસે ભરાતા પાણી અંગે કાયમી નિકાલની ઉગ્ર માગ

પાટણમાં દર ચોમાસે સામાન્ય વરસાદમાં પણ આ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે. દર વર્ષે સ્થાનિકો અને વાહનચાલકોએ આ પરેશાની ભોગવવી પડે છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતાં નથી. પાણી ભરાવાની આ વિકટ સમસ્યાથી કંટાળેલા સ્થાનિક રહીશો અને વેપારીઓએ હવે આ બાબતે કાયમી નિવારણ લાવવા માટે ઉગ્ર માગ કરી છે.

આ પણ વાંચો : Monsoon 2026 : વરસાદે ખોલી મનપાની પોલ, રાજકોટમાં 4.5 ઇંચ વરસાદમાં રસ્તાઓ જળબંબાકાર