પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કાસાબડ ગામેથી એક અત્યંત દુઃખદ અને કરૂણ ઘટના સામે આવી છે. વિસ્તારમાં વરસી રહેલા વરસાદ વચ્ચે અચાનક વીજળી ત્રાટકતાં એક પશુપાલક અને તેમની ભેંસનું ઘટનાસ્થળે જ અકાળે મોત નીપજ્યું છે. આ આકાશી આફતના પગલે નાના એવા કાસાબડ ગામમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.
ભેંસ લઈને ઘરે પરત ફરતી વખતે કાળ ત્રાટક્યો
મળતી માહિતી મુજબ, કાસાબડ ગામના રહીશ વિનુજી ઓડેદરા નામના પશુપાલક પોતાની ભેંસને લઈને સીમમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે જ સમયે અચાનક ભારે ગરજના સાથે તેમની પર વીજળી પડી હતી. વીજળીનો આંચકો એટલો તીવ્ર હતો કે, વિનુજી ઓડેદરા અને તેમની ભેંસ બંનેનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું.
