સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે જેના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે.પ્રાંતિજમાં માત્ર એક કલાકના ટૂંકા ગાળામાં પોણા બે ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબકતા સમગ્ર શહેર જળબંબાકારની સ્થિતિમાં આવી ગયું છે.શહેરના નીચાણવાળા વિસ્તારો, અનેક સોસાયટીઓ અને ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.મુખ્ય બજાર વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતાં વેપાર-ધંધા પર માઠી અસર પડી છે. ચોમાસાની શરૂઆત સાથે જ સર્જાયેલી આ સ્થિતિએ પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. 

1

સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે

સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાના પ્રથમ વરસાદે જ વહીવટી તંત્રના પ્રિ-મોન્સૂન આયોજનની પોલ ખોલી નાખી છે.હાથમાંથી નદી પર આવેલો નવો બ્રિજ જે માત્ર ૨ વર્ષ અગાઉ જ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.બ્રિજ પર દોઢ ફૂટ સુધી પાણી ફરી વળતા વાહનચાલકો માટે મુશ્કેલીનો પહાડ સર્જાયો છે.આ પરિસ્થિતિને કારણે અનેક વાહનો પાણીમાં ફસાવાને લીધે રસ્તા વચ્ચે જ બંધ થઈ ગયા હતા.લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી છે.કરોડોના ખર્ચે બનેલા આ બ્રિજની આવી સ્થિતિ જોઈને સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

2

ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયાં

સાબરકાંઠા જિલ્લાને અડીને આવેલા અરવલ્લીમાં પણ મેઘરજ તાલુકામાં મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવતા ચારેબાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તાલુકામાં નોંધાયેલા આશરે 2 ઇંચ જેટલા ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં જાણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.ખાસ કરીને પીસાલ, રામગઢી અને કંભરોડા ગામના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદી પાણીના ભારે ભરાવાને કારણે મેઘરજ-પંચાલ માર્ગ પર અવરજવર પણ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે.માર્ગ પર પાણી ફરી વળતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.મેઘરજના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતાં સ્થાનિક જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. 


આ પણ વાંચોઃ Surat News: સચિન GIDCમાં વરસાદી પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં બે માસૂમ બાળકોના મોતની આશંકા