રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં મેઘરાજાએ મહેરબાન થઈને તોફાની બેટિંગ કરી છે. ગોંડલ પંથકમાં ટૂંક જ સમયમાં સવા ત્રણ ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અનરાધાર પડેલા વરસાદના કારણે ગોંડલ શહેરના તમામ મુખ્ય રાજમાર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવા પાણી ફરી વળ્યા હતા. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતાં જનજીવન અને વાહનવ્યવહાર ભારે પ્રભાવિત થયો હતો.
લાલપુલ અંડરબ્રિજમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ
ગોંડલ શહેરના ઉમવાડા, લાલપુલ અને ખોડિયાર અંડરબ્રિજ નીચે ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે વાહનવ્યવહાર અટકી પડ્યો હતો. આ દરમિયાન લાલપુલ અંડરબ્રિજ નીચેથી પસાર થઈ રહેલી એક સ્કૂલ બસ પાણીના ભારે પ્રવાહ અને ઊંડાણમાં ફસાઈ ગઈ હતી. બસમાં માસૂમ વિદ્યાર્થીઓ સવાર હોવાના કારણે સ્થળ પર ક્ષણભર માટે ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર બ્રિગેડ દ્વારા તેમનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

ફાયર બ્રિગેડ અને JCB ની મદદથી તમામ બાળકોનું સુરક્ષિત રેસ્ક્યૂ
ઘટનાની જાણ થતાં જ ગોંડલ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ટીમે સમયસૂચકતા દાખવી JCB ની મદદથી અંડરબ્રિજમાં ઊંડા પાણીમાં ફસાયેલી સ્કૂલ બસને સફળતાપૂર્વક બહાર ખેંચી કાઢી હતી. બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓને સહી-સલામત બહાર કાઢવામાં આવતાં વાલીઓ અને તંત્રએ મોટો રાહતનો શ્વાસ લીધો હતો.
https://www.instagram.com/reel/DdRVVo2iRGx/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==
મુરઝાતા પાકને મળ્યું નવું જીવનદાન, ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ
શહેરી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાયા બાદ બીજી તરફ આ વરસાદ ગોંડલ ગ્રામ્ય પંથકના ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થયો છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાતાં ખેતરોમાં પાક મુરઝાઈ રહ્યો હતો, પરંતુ આ સાર્વત્રિક વરસાદી મહેરના કારણે ઊભા પાકને સંજીવની સમાન નવું જીવનદાન મળ્યું છે, જેનાથી ગોંડલ પંથકના ખેડૂતો અને માલધારીઓમાં આનંદની લહેર છવાઈ ગઈ છે.
આ પણ વાંચો: Rajkot: પોપટપરા નાળું અને રેલનગર અંડરબ્રિજ બંધ, લાંબા વિરામ બાદ મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશીની લહેર