રાજકોટ શહેરમાં લાંબા વિરામ બાદ હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાએ ધમાકેદાર પુનઃએન્ટ્રી કરી છે. વહેલી સવારથી જ આકાશમાં કાળાડીબાંગ વાદળો છવાયા બાદ બપોરના સમયે શહેરના સામાકાંઠા, કાલાવડ રોડ, રેસકોર્સ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

મેઘરાજાએ ધમાકેદાર પુનઃએન્ટ્રી કરી

મુસળધાર વરસાદના કારણે શહેરના મુખ્ય રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને પોપટપરા નાળામાં અને રેલનગર અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં રેલનગર તથા માધાપર ચોકડી તરફનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. સુરક્ષાના ભાગરૂપે પોપટપરા નાળું વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યું છે. વરસાદના પગલે લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત મળી છે.

rajkot

લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ધોરાજી તાલુકાના નાની પરબડી ગામમાં દોઢ કલાકમાં જ અંદાજે 2 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં ગામના મુખ્ય રસ્તાઓ જળબંબાકાર બની ગયા હતા. આ સિવાય ફરેણી, તોરણીયા અને ધોરાજી શહેરમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જળવાઈ રહ્યો હતો.

dhoraji

ખેડૂતોમાં ભારે હરખની હેલી

બીજી તરફ જામકંડોરણા અને ગોંડલ પંથકમાં પણ સવારથી પલટાયેલા વાતાવરણ બાદ બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાંબા સમયના વિરામ બાદ થયેલા આ વરસાદથી સુકાઈ રહેલા મોલ અને ઊભા પાકને નવું જીવતદાન મળતાં સમગ્ર જિલ્લાના 'જગતનો તાત' એટલે કે ખેડૂતોમાં ભારે હરખની હેલી અને આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

આ પણ વાંચો: Porbandar: દરિયામાં ભારે કરંટ વચ્ચે બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ; 12 જિલ્લામાં રેડ એલર્ટ