અમરેલી જિલ્લાના રાજુલા અને ઉપરવાસના ગીર પંથકમાં વરસેલા અવિરત અને મુશળધાર વરસાદના કારણે જળાશયોમાં પાણીની ભયજનક આવક થઈ રહી છે. રાજુલા પંથકની જીવાદોરી સમાન ધાતરવડી ડેમ-2 માં ક્ષમતા કરતા વધુ પાણીનો પ્રવાહ ઠલવાતા તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમની સુરક્ષા અને જળસ્તરને કાબૂમાં રાખવા માટે ધાતરવડી ડેમ-2ના તમામ 20 દરવાજા એક સાથે ખોલી દેવામાં આવ્યા છે, જેના કારણે સમગ્ર રાજુલા પંથકમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

ધાતરવડી ડેમ-2ના 20 દરવાજા ખોલાયા

https://twitter.com/sandeshnews/status/2073680920100638928

નદીઓમાં ઘોડાપૂર અને ગામડાઓમાં એલર્ટ

એક સાથે 20 દરવાજા ખોલવાને કારણે સ્થાનિક ધાતરવડી નદી રૌદ્ર સ્વરૂપમાં આવી ગઈ છે અને નદીના બંને કાંઠે ઘોડાપૂર જેવા દ્રશ્યો સર્જાયા છે. પૂરના પાણી નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળવાની આશંકાને પગલે વહીવટી તંત્ર દ્વારા વડ, હિંડોરણા, ખાખબાઈ અને લોઠપુર ગામોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ઔદ્યોગિક અને દરિયાઈ પટ્ટી પર આવેલા કોવાયા સહિતના અન્ય ગામડાઓને પણ સાવચેત રહેવા અને કોઈપણ ઈમરજન્સી માટે વહીવટી તંત્રના સંપર્કમાં રહેવા કડક અપીલ કરવામાં આવી છે.

તંત્ર દ્વારા સતત મોનિટરિંગ

ધાતરવડી નદીના પૂરના પાણી ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ અને ખેતરો તરફ આગળ વધી રહ્યા હોવાથી વાહનવ્યવહારને પણ આંશિક અસર થઈ છે. મામલતદાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા ડેમ સાઇટ અને એલર્ટ કરાયેલા ગામોમાં સતત જાત-નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ગ્રામજનોને રાત્રિ દરમિયાન વધુ સતર્ક રહેવા અને નદીના પટ વિસ્તાર કે નીચાણવાળા ઘરોમાંથી જરૂર પડે તો સલામત સ્થળે કે ગામની સરકારી શાળામાં સ્થળાંતર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા લાઉડસ્પીકર મારફતે સૂચનાઓ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Surat: ઉમરપાડાનો જગવિખ્યાત દેવઘાત ધોધ ચાલુ સીઝનમાં પહેલીવાર સોળે કળાએ ખીલ્યો