દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થતાં જ પ્રકૃતિએ જાણે લીલી ચાદર ઓઢી લીધી છે. સુરત જિલ્લાના વનરાજીથી ઘેરાયેલા ઉમરપાડા તાલુકામાં આવેલા અને પ્રવાસીઓમાં ભારે આકર્ષણ ધરાવતા દેવઘાત ધોધ ખાતેથી મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે. ઉપરવાસના જંગલ વિસ્તારોમાં વરસેલા અનરાધાર વરસાદને કારણે દેવઘાત ધોધમાં ચાલુ સીઝનમાં પ્રથમવાર પાણીની વ્યાપક આવક થઈ છે. લાંબા સમયની રાહ જોયા બાદ આ ધોધ ફરીથી જીવંત થતાં સ્થાનિક આદિવાસી સમાજ અને પ્રકૃતિપ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

મેઘરાજાની એન્ટ્રી થતાં જ પ્રકૃતિએ જાણે લીલી ચાદર ઓઢી

https://twitter.com/sandeshnews/status/2073675800554131563

ચોમાસાની સીઝનમાં પહેલીવાર ખીલ્યો ધોધ

ઉમરપાડાનો આ વિસ્તાર સુરતના "મિની કાશ્મીર કે ડાંગ" તરીકે પણ સ્થાનિક સ્તરે ઓળખાય છે. દર વર્ષે ચોમાસા દરમિયાન અહીં હજારો પ્રવાસીઓ કુદરતી સુંદરતા માણવા આવતા હોય છે. આ વર્ષે સીઝનની પ્રથમ ધમાકેદાર આવક થતાં જ પહાડો વચ્ચેથી પડતા પાણીના વહેણે અદભુત નજારો સર્જ્યો છે. ઊંચાઈ પરથી ખાબકતા પાણીના લીધે આસપાસના કોતરો અને હરિયાળી વધુ ગહન બની છે, જેના લાઈવ વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

તંત્ર દ્વારા સુરક્ષા અંગે અપીલ

ધોધ જીવંત થવાના સમાચાર વહેતા થતાં જ આગામી શનિ-રવિવાર (વીકેન્ડ) દરમિયાન સુરત, ભરૂચ, અંકલેશ્વર અને વડોદરાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી પડે તેવી શક્યતા છે. જોકે, ધોધમાં પાણીનો પ્રવાહ તેજ હોવાથી સ્થાનિક વન વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓને ઊંડા પાણીમાં ન જવા અને પથ્થરો પર લપસી ન જવાય તે માટે ખાસ સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે. પ્રકૃતિનો આનંદ લો પણ સુરક્ષાને પ્રાધાન્ય આપો તે જ અપીલ છે.

આ પણ વાંચો: Gir Somnath: ઉના અને ગીર ગઢડામાં ભારે વરસાદથી 12 માર્ગો પ્રભાવિત, 15થી વધુ ગામોનો સંપર્ક તૂટ્યો