સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં થયેલા સાર્વત્રિક વરસાદને કારણે જળસંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. જિલ્લાના મુખ્ય 11 જળાશયોમાં મોટા પ્રમાણમાં નવા નીરની આવક નોંધાઈ છે. ચોમાસાની આ સિઝનમાં જળાશયોમાં પાણીનું સ્તર ઊંચું આવતાં ખેડૂતો અને સ્થાનિક રહીશોમાં આનંદની લહેર વ્યાપી ગઈ છે.
ધોળીધજા અને વાંસલ ડેમ છલકાયા, 100% ક્ષમતાએ પહોંચ્યા
સ્થાનિક જળસંપત્તિ વિભાગના જણાવ્યા અનુસાર, સુરેન્દ્રનગર શહેરની જીવાદોરી સમાન ધોળીધજા ડેમ અને ચુડા તાલુકાનો વાંસલ ડેમ સંપૂર્ણ એટલે કે 100% ભરાઈ ગયા છે. આ સિવાય મૂળી તાલુકામાં આવેલો નાયકા ડેમ 65% સુધી ભરાઈ ચૂક્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના અન્ય નાના-મોટા ડેમોમાં પણ સરેરાશ 60% જેટલી પાણીની નવી આવક નોંધાઈ છે, જેનાથી પીવાના પાણી અને સિંચાઈની સમસ્યામાં મોટો રાહત મળશે.
નિચાણવાળા ગામો અને સ્થાનિકો માટે હાઇ એલર્ટ
ધોળીધજા અને વાંસલ ડેમ પૂર્ણ ક્ષમતાએ ભરાઈ જતાં વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નદી કિનારે કે ડેમ નજીકના વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ના કરવા કડક સૂચના આપવામાં આવી છે.
સિંચાઈ વિભાગની માર્ગદર્શિકા અને સાવચેતીની અપીલ
આ પરિસ્થિતિ અંગે માહિતી આપતાં સુરેન્દ્રનગર સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર દિવ્યેશ કણસાગરા જણાવ્યું છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં પાણીની આવક સતત થઈ રહી છે. 100% ભરાયેલા ડેમોના વિસ્તારોમાં ખાસ સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. આ સાથે તેમણે પશુપાલકોએ પોતાના પશુઓને નદીના પટમાં ન લઈ જવા અને સ્થાનિક નાગરિકોએ પાણીના વહેણથી દૂર રહેવા ખાસ અપીલ કરી છે.
આ પણ વાંચો - Surendranagar: વઢવાણમાં દારૂની 11,725 બોટલો પર બુલડોઝર ફેરવી દેવાયુ