સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે મહત્વનો એવો ત્રિવેણી ઠાંગા ડેમ 100 ટકા ભરાઈ જતાં ઓવરફ્લો થયો છે. જળસ્તરમાં સતત વધારો થતાં ડેમમાં હાલ 176 ક્યુસેક પાણીની આવક સામે તેટલી જ જાવક થઈ રહી છે. ડેમ છલકાઈ જતાં પંથકમાં પાણીની સમસ્યા ઉકેલાવાની સાથે સાથે નીચાણવાળા વિસ્તારો માટે સલામતીના પગલાં લેવા જરૂરી બન્યા છે.
નાયબ કલેક્ટરે સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી
ડેમ ઓવરફ્લો થતાં જ વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને નાયબ કલેક્ટરે જાતે ત્રિવેણી ઠાંગા ડેમની મુલાકાત લીધી હતી અને પાણીની આવક-જાવક તેમજ સુરક્ષા વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી હતી. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ અણબનાવ ન બને.
