તાપી જિલ્લામાંથી પસાર થતો મહત્વનો નેશનલ હાઇવે-53 હાલમાં અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. ચોમાસાના વરસાદ બાદ હાઇવે પર ઠેર-ઠેર મોટા મોટા ખાડાઓ પડી જતાં આખો રોડ ખાડારાજમાં ફેરવાઈ ગયો છે. એટલું જ નહીં, હાઇવેની સાથે જોડાયેલા સર્વિસ રોડની હાલત પણ ખૂબ જ બદતર બની ચૂકી છે, જેના કારણે દરરોજ અહીંથી પસાર થતાં હજારો વાહનચાલકો અને સ્થાનિકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
ખાડાઓથી બચવા રોંગ સાઇડ ડ્રાઇવિંગ, અકસ્માતોનું જોખમ વધ્યું
રસ્તા પર પડેલા ઊંડા ખાડાઓના કારણે વાહનોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. આ ખાડાઓથી બચવા માટે વાહનચાલકો મજબૂરીવશ પોતાના વાહનો રોંગ સાઇડમાં ચલાવવા માટે પ્રેરાઈ રહ્યા છે. હાઇવે પર સામસામે અને રોંગ સાઇડમાં આવતા વાહનોના કારણે નાના-મોટા અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે, જે ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે.
