બંગાળની ખાડીમાં સર્જાયેલું સર્ક્યુલેશન હવે ડિપ્રેશનમાં ફેરવાઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેને પગલે રાજ્યમાં આગામી કલાકોમાં આફતનો વરસાદ વરસવાની શક્યતા છે. રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ સત્તાવાર નિવેદન આપતાં જણાવ્યું છે કે આજે રાત્રે અને આવતીકાલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ખાસ કરીને ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વલસાડ અને નવસારી સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી અત્યંત સાવચેત રહેવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

https://twitter.com/sandeshnews/status/2082752333042372640

મુખ્યમંત્રીના આદેશથી અધિકારીઓની રજાઓ રદ

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને મુખ્યમંત્રીના આદેશથી તમામ જવાબદાર અધિકારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. એસીએસ (મહેસૂલ) દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો સાથે બેઠક યોજીને પૂરતી સજ્જતા કેળવવા આદેશ અપાયા છે. જરૂર પડે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા (સ્થળાંતર કરવા) અને સ્થાનિક સ્થિતિ મુજબ શાળાઓમાં રજા જાહેર કરવા માટે જિલ્લા કલેક્ટરોને સત્તા આપી દેવામાં આવી છે.

https://twitter.com/sandeshnews/status/2082737410216235491

સેના, એરફોર્સ, NDRF અને SDRF અલર્ટ મોડ પર

કોઈપણ ઈમરજન્સી કે કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. વિવિધ સંવેદનશીલ જિલ્લાઓમાં એનડીઆરએફ (NDRF) અને એસડીઆરએફ (SDRF)ની ટીમો તૈનાત (ડિપ્લોય) કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, પૂરના પાણીમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવા માટે એરફોર્સના ચોપર્સ અને આર્મીની કોલમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેથી બચાવ અને રાહત કામગીરી વહેલી તકે શરૂ કરી શકાય.

આ પણ વાંચો : Vadodara News : ભારે વરસાદની શક્યતાને પગલે તંત્ર સજ્જ, શાળાઓ બંધ રાખવા કલેક્ટરનો આદેશ