છેલ્લા ચાર દિવસમાં થરાદ પંથકમાં વરસેલા મૂશળધાર 10 ઇંચથી વધુ વરસાદને કારણે સમગ્ર વિસ્તાર બેહાલ બન્યો છે. ભારે વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.

આઇકોન રોડ પણ વરસાદી પાણી ભરાયા 

થરાદના મુખ્ય આઇકોન રોડ પર પણ વરસાદી પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે સરકારી કચેરીઓ અને પોલીસ સ્ટેશન તરફ જવાના મુખ્ય રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે, જેને કારણે અરજદારો અને પોલીસ કર્મચારીઓને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્કૂલવાન અને રાહદારીઓને ભારે હાલાકી 

પાણી ભરાવાની આ ગંભીર સમસ્યાને કારણે સ્કૂલવાન ચાલકો તેમજ રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસાની શરૂઆત પહેલા કરવામાં આવતી પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી જતા સ્થાનિક લોકો અને વેપારીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Monsoon 2026 : વિરમગામમાં પૂરના પાણીમાં ટ્રેક્ટર ફસાયા બાદ યુવક પણ તણાયો, દિલધડક રેસ્કયુ કરાયું, Video