વલસાડ જિલ્લામાં તેમજ ઉપરવાસના વિસ્તારોમાં નોંધાયેલા ભારેથી અતિભારે વરસાદને કારણે નદીઓ ઉફાણે આવી છે. સતત વરસી રહેલા મેઘરાજાને પગલે વલસાડની મુખ્ય ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. નદીમાં પૂરના પાણીની ઝડપી આવક થતાં વહીવટી તંત્ર તાત્કાલિક એલર્ટ મોડ પર આવી ગયું છે અને સંવેદનશીલ તથા નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થાનિક લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી છે. 

કાશ્મીર નગર અને બરૂડિયાવાડમાંથી લોકો ખસેડાયા

સ્થિતિની ગંભીરતાને જોતાં કાશ્મીર નગર અને બરૂડિયાવાડ જેવા વિસ્તારોમાંથી નાગરિકોને ખસેડીને સુરક્ષિત સ્થળોએ આશ્રય આપવામાં આવ્યો છે, જ્યારે પારડી અને તળિયાવાડ સહિત આસપાસના 6 ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.બીજી તરફ, વલસાડના ધરમપુર પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સ્વર્ગવાહિની નદી બે કાંઠે વહેતી થઈ છે. 

નીચાણવાળા લો-લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યા

નદીઓમાં ઉછળતા પાણીના પ્રવાહને કારણે નીચાણવાળા લો-લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જોખમી બ્રિજ પરનો વાહનવ્યવહાર તુરંત અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે. અવિરત પડી રહેલા વરસાદને કારણે વલસાડ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થવાની પૂરતી શક્યતાઓ વર્તાઈ રહી છે, જેને પગલે વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

આ પણ વાંચોઃ Gujarat Weather Update: રાત્રે 10 વાગ્યા સુધીમાં 24 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ