ગુજરાતમાં જૂન મહિનો વરસાદને લઈને કોરો ગયો હતો. પરંતુ જુલાઈ મહિનામાં શરૂઆતમાં વરસાદનો પ્રથમ રાઉન્ડ થયો અને મહિનાના અંતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો. અલ નીનોની અસરને કારણે વરસાદ ખેંચાતા ખેડૂત સહિતનો વર્ગ ચિંતામાં મુકાયો હતો. પરંતુ ત્યાર બાદ ભારે વરસાદના બે રાઉન્ડ થતાં સમગ્ર રાજ્યમાં જળાશયોમાં નવી નીરની આવક થવા પામી છે. જુલાઈ મહિનામાં સારો વરસાદ થતાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. આજ દિવસ સુધી જુલાઈમાં સિઝનનો કુલ 60.62 ટકા વરસાદ ખાબક્યો છે.

24 જિલ્લામાં રેડ અને 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં રાત્રે 10 વાગ્યા સુધી રાજ્યના 24 જિલ્લામાં રેડ અને 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં જુલાઈ મહિનામાં નોંધાયેલો વરસાદ

ગુજરાતમાં ચાલુ મોસમ દરમિયાન ઝોન વાઇઝ વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ મેઘમહેર જોવા મળી છે. જ્યાં અત્યાર સુધીમાં સરેરાશ 1224.47 મીમી એટલે કે મોસમનો સૌથી વધુ 79.41 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં 406.01 મીમી (49.57 ટકા), સૌરાષ્ટ્રમાં 335.20 મીમી (43.98 ટકા) અને ઉત્તર ગુજરાતમાં 310.56 મીમી (42.52 ટકા) સરેરાશ વરસાદ નોંધાયો છે. બીજી તરફ કચ્છ ઝોનમાં પ્રમાણમાં સૌથી ઓછો વરસાદ થયો છે, જ્યાં અત્યાર સુધીમાં માત્ર 95.20 મીમી એટલે કે મોસમનો 19.05 ટકા વરસાદ જ વરસ્યો છે.


આ પણ વાંચોઃ Ahmedabad: ગુજરાતમાં 7 દિવસ ભયાનક વરસાદની આગાહી, 5 સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ-સુરત સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ