વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં મેઘરાજાએ અત્યાર સુધીનું સૌથી આક્રમક સ્વરૂપ ધારણ કરી ભારે તબાહી મચાવી છે. ઉમરગામમાં મોસમનો કુલ 45 ઇંચ જેટલો જંગી વરસાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તાલુકાના કુલ 52 ગામો પૈકી 8 ગામો સૌથી વધુ પ્રભાવિત થયા છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

હુમરણ ગામનો બ્રિજ વારોલી નદીના પ્રવાહમાં તૂટ્યો

ભારે વરસાદ અને જળપ્રલયના કારણે વારોલી નદીમાં આવેલા ઘોડાપૂર વચ્ચે હુમરણ ગામનો મહત્વનો બ્રિજ તણાઈને તૂટી ગયો છે. પુલ ધરાશાયી થવાના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે તેમજ સતત વરસાદના પગલે અનેક મુખ્ય તથા આંતરિક રસ્તાઓની હાલત અત્યંત દયનીય અને જોખમી બની ગઈ છે, જેનાથી વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે.

સ્વચ્છતા કામગીરીને લઈને લોકોમાં આક્રોશ

આ વિકટ પરિસ્થિતિ વચ્ચે તંત્રની કામગીરી સામે લોકોનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નાગરિકોના આક્ષેપ મુજબ, આપત્તિના આ સમયે મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મદદે આવવાને બદલે નેતાઓ માત્ર ફોટા પડાવવામાં જ વ્યસ્ત છે. આ ઉપરાંત પૂર બાદ ગંદકી અને રોગચાળાના જોખમ વચ્ચે સ્વચ્છતાની કામગીરી ન થતાં લોકોમાં સરકાર અને પ્રશાસન સામે તીવ્ર રોષ ફેલાયો છે.

આ પણ વાંચો : Monsoon 2026 : થલતેજમાં પાલિકાની બેદરકારી ઉજાગર, પેલેડિયમ રોડ બેસી જવાથી વાહનવ્યવહાર જોખમમાં