અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ તેની સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરી અને વિકાસના દાવાઓની પોલ ખુલી ગઈ છે. થલતેજ વિસ્તારમાં આવેલા પેલેડિયમ રોડ પર અચાનક મોટો ભુવો પડ્યો હોય તેમ અડધો કિલોમીટર જેટલો લાંબો રસ્તો બેસી ગયો છે. રસ્તો બેસી જવાના કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માટે મોટો ખતરો પેદા થયો છે.
વાહન ચાલકોના મનપા પર ગંભીર આક્ષેપ
ઘટનાને પગલે રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ, થોડા સમય પહેલા જ આ રોડ પર અંડરગ્રાઉન્ડ કામગીરી કરવામાં આવી હતી, પરંતુ તેમાં યોગ્ય માટી કે કાંકરીનું પુરાણ કરવામાં આવ્યું નહોતું. જેના કારણે થોડા જ સમયમાં રસ્તાની આ અત્યંત ખરાબ અને જોખમી દશા થઈ ગઈ છે.
