વલસાડ જિલ્લા સહિત આસપાસના સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે. લાંબા વિરામ બાદ મેઘરાજા ફરી મહેરબાન થતાં સમગ્ર પંથકમાં ખુશીની લહેર દોડી ગઈ છે. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે તથા ક્યાંક ઝાપટાં સ્વરૂપે વરસાદ વરસતાં સમગ્ર વિસ્તારમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.

કપરાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, કોઝવે અને પુલો પાણીમાં ડૂબ્યા

વલસાડ જિલ્લાના સીમાવર્તી અને ડુંગરાળ તાલુકા એવા કપરાડામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અહી કપરાડાના કરર્ચોણથી દૂધની તરફ જતા માર્ગ પર આવેલો લો-લેવલ કોઝવે પાણીના ભારે પ્રવાહમાં ગરકાવ થઈ ગયો છે. બીજી તરફ બુરલા ગામે કોલક નદી પરનો પુલ પણ ફરી એકવાર પાણીમાં ડૂબી જતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. કપરાડામાં 4 ઈંચ વરસાદ નોંધાયા છે.

Valsad Rain Update: Heavy Rainfall in Kaprada, Causeway Submerged

જીવના જોખમે મુસાફરી કરવા લોકો મજબૂર

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક ગ્રામ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં છે, જેના લીધે વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે. લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ હોવા છતાં સ્થાનિક લોકો અને વાહનચાલકો જીવના જોખમે રસ્તો ઓળંગવા મજબૂર બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર દર વર્ષે સામાન્ય કે થોડા જ વરસાદમાં કપરાડા તાલુકામાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, જેના કારણે ચોમાસા દરમિયાન ગ્રામીણ પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

ધરતીપુત્રોમાં આનંદનો માહોલ, પાકને નવું જીવન મળ્યું

ચોમાસાના પ્રારંભિક તબક્કા બાદ લાંબા સમય સુધી વરસાદ ખેંચાતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા, પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી શરૂ થયેલી મેઘમહેરથી જિલ્લાના ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વરસાદી સિઝનથી ઊભા પાકને મોટું જીવનદાન મળ્યું છે. રસ્તાઓ ભીના થતાં અને સતત ઠંડા પવનો ફૂંકાતાં લોકોએ બળબળતા ઉકળાટમાંથી મુક્તિ મેળવી છે.

Valsad Rain Update: Heavy Rainfall in Kaprada, Causeway Submerged

વલસાડ જિલ્લાના છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેના આંકડા નીચે મુજબ છે:

ધરમપુર 

  • ગઈકાલ સુધીનો વરસાદ: 612 મીમી 
  • છેલ્લા 24 કલાકનો વરસાદ: 94 મીમી 
  • કુલ મોસમી વરસાદ: 706 મીમી 
  • સરેરાશના ટકા: 86%

કપરાડા 

  • ગઈકાલ સુધીનો વરસાદ: 635 મીમી 
  • છેલ્લા 24 કલાકનો વરસાદ: 103 મીમી
  • કુલ મોસમી વરસાદ: 738 મીમી
  • સરેરાશના ટકા: 90%

પારડી 

  • ગઈકાલ સુધીનો વરસાદ: 615 મીમી 
  • છેલ્લા 24 કલાકનો વરસાદ: 95 મીમી 
  • કુલ મોસમી વરસાદ: 710 મીમી
  • સરેરાશના ટકા: 87%

ઉમરગામ

  • ગઈકાલ સુધીનો વરસાદ: 625 મીમી
  • છેલ્લા 24 કલાકનો વરસાદ: 98 મીમી
  • કુલ મોસમી વરસાદ: 723 મીમી
  • સરેરાશના ટકા: 88%

વલસાડ 

  • ગઈકાલ સુધીનો વરસાદ: 628 મીમી
  • છેલ્લા 24 કલાકનો વરસાદ: 100 મીમી
  • કુલ મોસમી વરસાદ: 728 મીમી
  • સરેરાશના ટકા: 89%

વલસાડ જિલ્લામાં કુલ વરસાદ

  • ગઈકાલ સુધીનો વરસાદ: 620 મીમી 
  • છેલ્લા 24 કલાકનો વરસાદ: 98 મીમી 
  • કુલ મોસમી વરસાદ: 718 મીમી 
  • સરેરાશના ટકા: 88%


આ પણ વાંચો: Valsad: પ્રેશર મીડનો ઉપયોગ કરનાર ડીજે સંચાલકનું વાહન જપ્ત કરવા ચીમકી