ગુજરાતના ખેડૂતો પોતાની પડતર માંગણીઓને લઈને ફરી એકવાર આરપારના મૂડમાં જોવા મળી રહ્યા છે. મોરબી જિલ્લાના જેતપુર ગામના ખેડૂતોએ પોતાની વિવિધ માંગણીઓ સંતોષવા માટે ગાંધીનગર કૂચનું રણશિંગું ફૂંક્યું છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ રવિવારના રોજ મોરબીથી 60થી વધુ ટ્રેક્ટરોના વિશાળ કાફલા સાથે ખેડૂતો ગાંધીનગર જવા રવાના થઈ ચૂક્યા છે.
પોલીસ નજરકેદ કરે તે પહેલાં જ ખેડૂતોનો 'માસ્ટરસ્ટ્રોક'
ખેડૂતો દ્વારા સત્તાવાર રીતે 15 જૂનના રોજ ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને, પોલીસ રેલીને અટકાવે કે ખેડૂત નેતાઓને નજરકેદ કરે તે પહેલાં જ ખેડૂતોએ એક દિવસ અગાઉ એટલે કે રવિવારે જ ટ્રેક્ટરો સાથે કૂચ શરૂ કરી દીધી છે. આંદોલન નિષ્ફળ ન જાય તે માટે ખેડૂતોએ આ આગોતરૂં આયોજન કરીને વહીવટી તંત્રને ચોંકાવી દીધું છે.
કયા મુદ્દાઓને લઈને આંદોલનના મંડાણ?
આ રેલીની આગેવાની લઈ રહેલા ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ 'સંદેશ ન્યૂઝ' સાથે ખાસ એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ખેતરોમાંથી પસાર થતા વીજપોલના યોગ્ય વળતર બાબતે જેતપર ગામના ખેડૂતો છેલ્લા 15 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ ઉપરાંત ખેડૂતોના દેવા માફી, પાક વીમો અને ખેડૂત વિરોધી નીતિઓ સામે આ આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે.
શું સરકાર ખેડૂતોને ગાંધીનગર પહોંચવા દેશે?
60થી વધુ ટ્રેક્ટરોનો આ કાફલો જ્યારે રસ્તા પર નીકળ્યો ત્યારે વાતાવરણ ગરમાઈ ગયું હતું. પાલભાઈ આંબલિયા સહિતના મોટા નેતાઓ આ રેલીમાં જોડાયા છે. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, ખેડૂતોએ ભલે તંત્રને થાપ આપીને એક દિવસ વહેલી કૂચ શરૂ કરી દીધી હોય, પરંતુ શું સરકાર અને ગુજરાત પોલીસ આ ખેડૂતોને ગાંધીનગરની સરહદમાં પ્રવેશવા દેશે ખરા? આગામી કલાકોમાં આ આંદોલન વધુ ઉગ્ર બને તેવા પૂરેપૂરા સંકેતો દેખાઈ રહ્યા છે.
આ પણ વાંચો - Morbi News: વીજપોલ વિવાદમાં મંત્રી કાંતિ અમૃતીયાએ માંગી માફી, વળતર મુદ્દે વિપક્ષ પર પ્રહાર!