મોરબી જિલ્લાના જુના સાદુળકા ગામે ગણેશ વિસર્જનની ધાર્મિક અને આસ્થાભરી ક્ષણો અચાનક ભારે ચીસિયારીઓ અને માતમમાં ફેરવાઈ ગઈ હતી. ગામ નજીકથી પસાર થતી મચ્છુ નદીમાં ગણપતિ વિસર્જન કરવા ગયેલા 4 સ્થાનિક યુવકો અચાનક નદીના ઊંડા પાણીના પ્રવાહમાં તણાઈને ડૂબવા લાગ્યા હતા. સ્થાનિક લોકો કઈ સમજે તે પહેલાં જ ચારેય યુવકો પાણીમાં અદ્રશ્ય થઈ જતાં કાંઠે ભારે અફડાતફડી અને ચીસાચીસ મચી ગઈ હતી.
મોરબીમાં ગણેશ વિસર્જન સમયે કરૂણાંતિકા
ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ તમામ સાધનો સાથે મચ્છુ નદીના કાંઠે દોડી આવી હતી. ફાયર ટીમે તાત્કાલિક નદીમાં ઝંપલાવીને ૨ યુવકોને સુખરૂપ પાણીમાંથી બહાર કાઢી તેમનો જીવ બચાવી લીધો હતો. જોકે, ભારે મથામણ બાદ 1 યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે લાપતા થયેલા અન્ય 1 યુવકની શોધોખોળ માટે ફાયરના તરવૈયાઓ દ્વારા બોટ અને લાઈફ જેકેટની મદદથી સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
