મોરબી જિલ્લામાં વીજ થાંભલાઓ અને જમીન વળતરના મુદ્દે ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે.કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી ખેડૂતો અને તંત્ર વચ્ચેની બેઠક કોઈપણ પ્રકારના નિષ્કર્ષ વગર અનિર્ણિત રહી છે.ખેડૂત સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર દ્વારા રજૂ કરાયેલી એમઆરસી અને તેના નિયમો ખેડૂતોને જરાય સ્વીકાર્ય નથી.તેથી આંદોલન મામલે હાલ કોઈ સમાધાન નહીં થાય અને આંદોલનને દબાવવાના પ્રયાસો સામે ખેડૂતો પૂરી મક્કમતાથી લડત આપશે.
ખેડૂતોનો વિરોધ અને લેખિત માંગણી
આજના આંદોલન દરમિયાન મુખ્યત્વે એ શરત પર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો કે જો 25 સપ્ટેમ્બરે ખેડૂત કલેક્ટર કચેરી ખાતે હાજર ન રહે તો સરકાર પોતાના તરફથી વેલ્યુઅર રાખીને ભાવ નક્કી કરશે જેનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો છે.કલેક્ટર દ્વારા ખેડૂતોને નવી તારીખ આપીને ફરી બોલાવવાની ખાતરી આપવામાં આવી હતી પરંતુ ખેડૂતોએ અડગ રહીને માંગ કરી છે કે જ્યાં સુધી તંત્ર તરફથી લેખિતમાં જવાબ કે સ્પષ્ટતા ન મળે ત્યાં સુધી તેઓ કલેક્ટર કચેરી ખાતે જ બેસીને પોતાનો વિરોધ નોંધાવતા રહેશે.ખેડૂતોનું વલણ સ્પષ્ટ છે કે તેમને સરકારી પરિપત્ર જ મંજૂર નથી તો એમઆરસી કમિટીમાં બેસવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી.ખેડૂતોની સ્પષ્ટ માંગણી છે કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલો ભાવ મંજૂર નથી પરંતુ તેમને બજાર કરતા 400 ગણું વળતર મળવું જોઈએ.
