મોરબી જિલ્લાના હળવદ શહેરમાં પ્રખ્યાત ઠંડા પીણાની સીલબંધ બોટલમાંથી મરેલી માખી નીકળવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હળવદની જાણીતી દ્વારકાધીશ હોટલમાંથી એક જાગૃત નાગરિક (જેઓ વ્યવસાયે તબીબ છે) દ્વારા ખરીદવામાં આવેલી ‘ગોકુલ’ બ્રાન્ડની ₹20 ની મેંગોક્રશની બોટલમાં મરેલી માખી તરતી જોવા મળી હતી. પીણું ગટગટાવવા જતાં જ બોટલની અંદર નજર પડતાં ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા. લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં કરતી ઉત્પાદક કંપની સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકલાગણી પ્રબળ બની છે.
ડોક્ટર બોટલ લેવા ગયા ને ભાંડો ફૂટ્યો
ઘટના સંદર્ભે પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ શહેરમાં પ્રેક્ટિસ કરતા સ્થાનિક ડોક્ટર દ્વારકાધીશ હોટલ પર રિફ્રેશમેન્ટ માટે ઠંડું પીણું લેવા ગયા હતા.તેમણે હોટલના કાઉન્ટર પરથી ₹20 ની કિંમતવાળી ‘ગોકુલ’ કંપનીની મેંગોક્રશ બોટલ ખરીદી હતી.બોટલ હાથમાં લઈને સીલ ખોલે તે પહેલાં જ અંદર પારદર્શક પ્રવાહીમાં એક મરેલી માખી સ્પષ્ટપણે તરતી નજરે પડી હતી.જો આ બોટલ કોઈ બાળકે કે અજાણતા કોઈ નાગરિકે પી લીધી હોત તો ફૂડ પોઈઝનિંગ કે ગંભીર બીમારીનો ભોગ બનવું પડત, જેને લઈને ગ્રાહકે તાત્કાલિક દુકાનદારનું ધ્યાન દોર્યું હતું.
દુકાનદારનો લૂલો બચાવ: ‘અમે તો માત્ર વેચીએ છીએ, ઉપર ફરિયાદ કરી છે’
બોટલમાં માખી હોવાનું સામે આવતાં જ હોટલ સંચાલકે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરવાનો પ્રયાસ કર્યો હતો. દુકાનદારે જણાવ્યું હતું કે, "ગ્રાહક મારી પાસેથી બોટલ લઈ ગયા હતા અને તેમણે અંદર મરેલી માખી બતાવી હતી. અમે તો માત્ર કંપની પાસેથી માલ લાવીને છૂટક વેચાણ કરીએ છીએ. મેં આ અંગે સંબંધિત કંપનીના ડીલર/એજન્સી સમક્ષ ફરિયાદ નોંધાવી દીધી છે, એ સિવાય હું બીજું કશું કરી શકું નહીં."દુકાનદારના આ જવાબથી ગ્રાહકોમાં વધુ નારાજગી જોવા મળી હતી.
લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં
બ્રાન્ડેડ ઠંડા પીણાં બનાવતી ફેક્ટરીઓમાં હાઈજીન અને ક્વોલિટી કંટ્રોલના ધજાગરા ઊડતા હોવાનો આ જીવંત પુરાવો છે. પેકિંગ પ્લાન્ટમાં યોગ્ય સ્ટરિલાઇઝેશન કે સફાઈ વિના જ પીણાં બોટલિંગ કરી માર્કેટમાં વેચાણ અર્થે મોકલી દેવાતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિક રહીશો અને સામાજિક અગ્રણીઓએ મોરબી જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગ તાત્કાલિક આ બાબતની ગંભીર નોંધ લઈને હોટલ તેમજ કંપનીના ગોડાઉન પર દરોડા પાડી સેમ્પલિંગ કરે અને જવાબદારો સામે કડક દંડકીય પગલાં ભરે તેવી માંગણી ઉઠાવી છે.
આ પણ વાંચો: World News: પાકિસ્તાન આર્મી ચીફ મુનીર સાથે મુઇઝ્ઝુની સીક્રેટ ડીલ! પોતાના જ દેશમાં રાષ્ટ્રપતિ સામે મોટો બળવો