મોરબી જિલ્લાની હળવદ નગરપાલિકામાં સત્તાધારી ભાજપમાં મોટો રાજકીય ભડકો સામે આવ્યો છે, જ્યાં કારોબારી ચેરમેન મહેશ કણજારીયાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પાલિકા પ્રમુખ ફોરમ બેન રાવલને રાજીનામું સોંપીને ગંભીર આક્ષેપો કર્યા છે કે તેમને માત્ર કાગળ પર જ ચેરમેન રખાયા હતા અને કોઈ વહીવટી સત્તા આપવામાં આવતી નહોતી.

વાસ્તવમાં કોઈ સત્તા આપવામાં આવી નહોતી

મોરબીની હળવદ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહેશ કણજારીયાએ પાલિકા પ્રમુખ ફોરમબેન રાવલને સુપરત કરેલા પોતાના રાજીનામામાં સત્તાધારી જૂથની કાર્યપદ્ધતિ સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે નગરપાલિકાના વહીવટમાં કારોબારી ચેરમેન પદની ગરિમા જાળવવામાં આવતી નહોતી અને મહત્વના નિર્ણયોમાં તેમની કોઈ સહી પણ લેવામાં આવતી ન હતી. મહેશ કણજારીયાએ જણાવ્યું કે તેમને માત્ર કાગળ પૂરતા જ ચેરમેન બનાવી રાખવામાં આવ્યા હતા અને વાસ્તવમાં કોઈ સત્તા આપવામાં આવી નહોતી. કારોબારી ચેરમેનની અધ્યક્ષતામાં કોઈ ટેન્ડર બહાર પાડવા કે વિકાસ કામોના બિલો પાસ કરવા અંગેની સત્તાથી પણ તેમને સંપૂર્ણપણે વંચિત રાખવામાં આવ્યા હતા.આખરે વહીવટી સત્તા અને સન્માન ન મળતા કંટાળીને તેમણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. 

પાલિકાના અન્ય સભ્યોએ ભેદી મૌન ધારણ કરી લીધું

કારોબારી ચેરમેન દ્વારા કરાયેલા આ ગંભીર આક્ષેપો સામે પાલિકાના અન્ય સભ્યોએ ભેદી મૌન ધારણ કરી લીધું છે. કારોબારી ચેરમેનના આ રાજીનામાને પગલે સ્થાનિક રાજકારણમાં જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભાજપના તમામ હોદ્દેદારોએ આ સમગ્ર મુદ્દે મૌન સેવી લીધું છે અને મીડિયાથી સતત અંતર જાળવી રહ્યા છે. બીજી તરફ રાજીનામા અંગે ખુલાસો મેળવવા માટે નગરપાલિકા પ્રમુખ ફોરમબેન રાવલનો સીધો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે પોતે હાલ બહાર હોવાનું જણાવી આ બાબતે વધુ વાત કરવાનું ટાળ્યું હતું. આ સમગ્ર રાજકીય વિવાદ વચ્ચે કોંગ્રેસ શહેર પ્રમુખે મેદાનમાં આવીને નગરપાલિકા પ્રમુખ તેમજ પાલિકાના સત્તાધીશો ઉપર ખૂબ જ આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ શહેર પ્રમુખે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપનું પાપ હવે છાપરે ચડ્યું છે અને આગામી દિવસોમાં હજુ પણ 18 જેટલા સભ્યોના રાજીનામા આવી શકે છે. 

આ પણ વાંચોઃ Suratમાં બ્લુ બીઆરટીએસ બસમાં લાગી વિકરાળ આગ: ડ્રાઇવરની સતર્કતાથી મોટી જાનહાની ટળી