મોરબી પંથકમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને માહોલ ગરમાયો છે. મોરબીના જેતપર સત્યાગ્રહ છાવણી ખાતેથી ખેડૂતોએ સરકાર સામે મોરચો ખોલીને જોરદાર હુંકાર કર્યો છે. પોતાની હક્ક અને અદલા બદલીની લડાઈને વધુ તેજ બનાવવા માટે ખેડૂતો એકમંચ પર આવ્યા છે, જેના કારણે રાજકીય અને પ્રશાસનિક વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.
કિશાન અધિકાર મહાપંચાયતની જાહેરાત
ખેડૂત આગેવાનો દ્વારા લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય મુજબ આગામી 10 જાન્યુઆરીના રોજ જેતપર સત્યાગ્રહ છાવણી ખાતે ભવ્ય 'કિશાન અધિકાર મહાપંચાયત' યોજાવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે જેતપર સત્યાગ્રહ છાવણી ખાતેથી જ ખેડૂતોએ ખાસ પ્રેસ કોન્ફરન્સ યોજીને આંદોલનની રૂપરેખા સ્પષ્ટ કરી હતી અને સરકાર સમક્ષ પોતાની તાકાત બતાવવા હુંકાર ભર્યો હતો.

રાજ્યભરના ખેડૂત આગેવાનોની ઉપસ્થિતિ
આ આંદોલનને વેગ આપવા માટે ગુજરાતભરમાંથી ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં જેતપર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા હતા. રાજ્યના ખૂણે-ખૂણેથી આવેલા નેતાઓની ઉપસ્થિતિથી આ લડાઈ હવે માત્ર સ્થાનિક નહીં, પરંતુ રાજ્યવ્યાપી સ્વરૂપ ધારણ કરી રહી છે, જે સરકાર માટે પણ ચિંતાનો વિષય બની શકે છે.

24 મુદ્દાની માગ અને વળતરની લડાઈ
ખેડૂતો પોતાની વિવિધ 24 જેટલી સચોટ માંગણીઓ સાથે સરકાર સામે મક્કમતાથી અડગ ઊભા છે. ખાસ કરીને વીજ પોલ વળતરની લડાઈને રાજ્યભરમાંથી અભૂતપૂર્વ જનસમર્થન મળી રહ્યું છે. ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે, જ્યાં સુધી તેમની ન્યાયી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ લડત વધુ ઉગ્ર બનાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આગામી વર્ષ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ ખેડૂત આંદોલનનો લાભ વિપક્ષ લે છે કે સત્તા પક્ષને ખેડૂતોને મનાવી લે છે કે કેમ એ જોવાનું રહ્યું!
આ પણ વાંચો: Morbi : મંત્રી અમૃતિયાએ સ્મિત મચ્છરને કહ્યું હું પણ તમારા જેવો છુ ''