મોરબી-રાજકોટ હાઈવે પર આજે વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બે આશાસ્પદ યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ટંકારા નજીક રાજકોટથી મોરબી તરફ આવી રહેલી એક સ્વિફ્ટ કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ પર પલટી મારી ગઈ હતી અને સીધી જ રસ્તાની બાજુમાં આવેલા વીજપોલ તેમજ ટીસી (ટ્રાન્સફોર્મર - TC) સાથે ધડાકાભેર અથડાઈ હતી. રાજકોટથી ડેકોરેશનનું કામ કરવા માટે મોરબી આવી રહેલા ત્રણ યુવાનો પૈકી બે યુવાનોના સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
મોરબી-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત
રાજકોટથી મોરબી તરફ આવી રહેલી સ્વિફ્ટ કાર ટંકારા નજીક પહોંચી ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી કાર પલટી મારીને વીજપોલ અને ટીસી સાથે જોરદાર રીતે ટકરાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે કાર અને વીજપોલ બંનેને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતગ્રસ્ત સ્વિફ્ટ કારમાં કુલ ત્રણ યુવાનો સવાર હતા, જેઓ રાજકોટથી ડેકોરેશનનું કામ કરવા માટે મોરબી તરફ આવી રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમને કાળ ભેટી ગયો હતો.
