મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલો જળસંચયનો મુખ્ય સ્ત્રોત એવો ડેમી-2 ડેમ ફરી એકવાર હેઠવાસના ગ્રામીણ વિસ્તારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. ટંકારા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં આવેલ ચેકડેમો અને તળાવોમાં પાણીના સ્તર જાળવી રાખવા માટે સિંચાઈ વિભાગ અને જિલ્લા પ્રશાસન દ્વારા ડેમી-2 ડેમમાંથી પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, હાલ ડેમી- 2 ડેમમાં 197 MCFT જેટલો જળજથ્થો સંગ્રહિત છે. આ જળરાશિમાંથી કુલ 125 MCFT પાણી ધીમે-ધીમે નીચાણવાળા વિસ્તારો તરફ વહેતું કરવાનું આયોજન ઘડવામાં આવ્યું છે.
514 ક્યુસેક પાણી વહેતું કરાયું
આ યોજનાના ભાગરૂપે ગુરુવારે તંત્ર દ્વારા ડેમી-૨ ડેમનો 1 દરવાજો 1 ફૂટ સુધી ખોલીને ૫૧૪ ક્યુસેક પાણી ડેમી નદીના પટમાં છોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પાણી વહેતું થતાં જ હેઠવાસમાં આવેલા સળંગ 10 જેટલા ગામોના બિસ્માર કે ખાલી થયેલા ચેકડેમો અને તળાવો ભરાઈ જશે, જેનાથી સ્થાનિક ખેડૂતોને સિંચાઈ માટે અને પશુપાલકો માટે ભારે રાહત થશે.
