વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કા બાદ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. નિયમ મુજબ પ્રચાર-પ્રસારના પડઘમ શાંત થઈ ગયા બાદ પણ સત્તાધારી ભાજપ દ્વારા આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ કરીને મતદારો સંપર્ક અને પ્રચાર ચાલુ રખાયો હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.
માંજલપુરમાં આચારસંહિતા ભંગ મુદ્દે ધમાસાણ
આ સમગ્ર મામલે માંજલપુર વિસ્તારમાં કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો અને નેતાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ દ્વારા ચૂંટણી પંચના નિયમોને નેવે મૂકીને પ્રચાર ચાલુ રાખવામાં આવ્યો હતો, જેના સ્ટીલ ફોટોગ્રાફ્સ અને વિડિયો પણ તેમની પાસે ઉપલબ્ધ છે.
ફરિયાદી નેતાની જ અટકાયત કરાતાં વિવાદ
આચારસંહિતા ભંગ અંગેના પુરાવા લઈને ચૂંટણી પંચ અને પોલીસ તંત્ર સમક્ષ વિધિવત ફરિયાદ કરવા ગયેલા કોંગ્રેસના સ્થાનિક વોર્ડ પ્રમુખની જ પોલીસે અટકાયત કરી લીધી હતી. આ ઘટનાને પગલે કોંગ્રેસી કાર્યકરોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, "નિયમભંગ કરનાર ભાજપના નેતાઓ સામે પગલાં લેવાને બદલે રજૂઆત કરવા ગયેલા વિપક્ષી નેતાની જ અટકાયત કરીને તંત્ર કોના ઈશારે કામ કરી રહ્યું છે તે સાબિત થઈ ગયું છે."
ચૂંટણી પંચ અને પોલીસની તટસ્થતા સામે સવાલો
માંજલપુરમાં બનેલી આ ઘટના બાદ વડોદરા કોંગ્રેસે સ્થાનિક પોલીસ અને ચૂંટણી પંચની તટસ્થતા સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું હતું કે, ભાજપ ચૂંટણીમાં પોતાની હાર ભાળી ગયું હોવાથી સરકારી મશીનરી અને વહિવટી તંત્રનો દુરુપયોગ કરી રહ્યું છે. વિડિયો અને ફોટા જેવા નક્કર પુરાવાઓ સોંપવા છતાં પણ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી, જે મુક્ત અને ન્યાયી ચૂંટણીની પ્રક્રિયા પર મોટું પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે.
આ પણ વાંચો: Ahmedabad: ગુજરાતમાં 3 વર્ષમાં 1,899 વિદ્યાર્થીઓએ ટૂંકાવ્યું જીવન, દરેક યુનિવર્સિટી અને કોલેજમાં સાયકોલોજિસ્ટની નિમણૂંક જરૂરી