યુવા પેઢીમાં વધી રહેલું માનસિક દબાણ અને આત્મહત્યાનું પ્રમાણ હવે સમાજ તેમજ શિક્ષણ જગત માટે લાલબત્તી સમાન બની ગયું છે. તાજેતરમાં જાહેર થયેલા સત્તાવાર આંકડા મુજબ ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષના સમયગાળામાં 1,899 જેટલા હોનહાર વિદ્યાર્થીઓએ વિવિધ કારણોસર આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

ગુજરાતમાં  વિદ્યાર્થી આપઘાતના ભયાનક આંકડાઓ

વિદ્યાર્થી આપઘાતના આ ભયાનક આંકડાઓ સામે આવ્યા બાદ દેશના અગ્રણી શિક્ષણવિદ અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ એમ. એન. પટેલ નું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્વીકાર્યું હતું કે, "આ વાત સદંતર સાચી છે કે યુવાનો અને વિદ્યાર્થીઓમાં આપઘાતના કિસ્સા સતત વધી રહ્યા છે, અને આ માટે એક નહીં પરંતુ અનેક જટિલ કારણો જવાબદાર છે."

એકેડેમિક બોજ અને બદલાતી જીવનશૈલી

શિક્ષણવિદ એમ. એન. પટેલે વિદ્યાર્થીઓના માનસિક તણાવના મુખ્ય કારણો વર્ણવતાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓની ક્લાસમાં હાજરી ઓછી રહેતી હોય છે અને જ્યારે પરીક્ષા નજીક આવે ત્યારે તેના પરિણામ અને સિલેબસનું ભારે ટેન્શન ઊભું થાય છે. આ સિવાય આજનો યુવાન સામાજિક રીતે એકલવાયું જીવન જીવી રહ્યો છે. ફેમિલી સપોર્ટ સિસ્ટમ ઓછી થવી, પર્સનલ રિલેશનશિપમાં તણાવ અને બદલાતી જીવનશૈલીમાં 'લિવ-ઇન રિલેશનશિપ' જેવા નિર્ણયો પણ જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે તે વિદ્યાર્થી માનસિક રીતે ભાંગી પડે છે અને આ તમામ પરિબળો મળીને અભ્યાસ પર અસહ્ય ભાર ઊભો કરે છે.

UGC નો સાયકોલોજિસ્ટ રાખવા અંગેનો આદેશ

વિદ્યાર્થીઓમાં વધતા જતાં ડિપ્રેશન અને આત્મહત્યાના કિસ્સા અટકાવવા માટે જ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા દેશની તમામ યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને કેમ્પસમાં કાયમી 'સાયકોલોજિસ્ટ' (માનસિક વિજ્ઞાનના તબીબ/કાઉન્સિલર) રાખવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે. શિક્ષણવિદોનું માનવું છે કે જો યોગ્ય સમયે વિદ્યાર્થીને કાઉન્સિલિંગ મળે અને તેના મનનો ભાર હળવો કરવામાં આવે તો આવા અનેક કિંમતી જીવ બચાવી શકાય તેમ છે.

આ પણ વાંચો: Ahmedabad: LCB ઝોન-7 એ 2 સગીર સહિત 4 પર્સ સ્નેચરોને દબોચ્યા, 9 ગુનાનો ભેદ ઉકેલાયો