અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રાહદારી મહિલાઓ તથા વાહનચાલકોને નિશાન બનાવીને ત્વરિત ગતિએ પર્સ અને રોકડ રકમ આંચકીને ફરાર થઈ જતી રીઢા ગુનેગારોની ગેંગ પર એલસીબી ઝોન-7 ની ટીમે તવાઈ બોલાવી છે.ચોક્કસ બાતમી અને સીસીટીવી ફુટેજના એનાલિસિસના આધારે LCB ઝોન-7 ના અધિકારીઓએ આંતર-ઝોન સ્નેચિંગ ચલાવતી ગેંગના 4 સભ્યોને ઘેરાબંધી કરીને ઝડપી પાડ્યા છે.
શહેરમાં પર્સ અને રોકડ રકમ આંચકી લેતી ગેગના સાગરીતો ઝડપાયા
પોલીસ તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારી વિગત સામે આવી છે. ઝડપાયેલા 4 આરોપીઓ પૈકી 2 આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોર (સગીર) છે. આ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો પૈકી મુખ્ય સૂત્રધાર સગીર સામે અગાઉ પણ ચોરી, સ્નેચિંગ સહિતના 13 ગંભીર ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે.
મુખ્ય સાગરીતોની ધરપકડ
પોલીસે સગીર ઉપરાંત આ ગેંગના મુખ્ય પુખ્ત સાગરીતો મોહમદ ફહિમ ઉર્ફે બીલા અને સાહીલ શેખ ની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ અગાઉ શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા એક હાઈ-પ્રોફાઈલ સ્નેચિંગના કેસમાં પણ લાંબા સમયથી ફરાર ચાલી રહ્યા હતા.
તપાસમાં 9 ચોરી-સ્નેચિંગના બનાવોનો પર્દાફાશ
કડાકાપૂર્વક પૂછપરછ દરમિયાન આ ગેંગે સ્વીકાર્યું હતું કે તેઓ પહેલા ગીચ અથવા સુમસામ વિસ્તારોમાંથી રેકી કરીને એક્ટિવા જેવા દ્વિચક્રી વાહનોની ચોરી કરતા હતા અને ત્યારબાદ એ જ ચોરાઉ વાહનો પર નંબર પ્લેટ વગર કે બનાવટી રીતે ફરીને પર્સ સ્નેચિંગના ગુનાઓને અંજામ આપતા હતા.આ ગેંગે કૃષ્ણનગર, મણિનગર, શહેરકોટડા અને બાપુનગર પોલીસ મથકની હદમાં આવેલ વિસ્તારોમાં પર્સ ખેંચીને ભારે આતંક મચાવ્યો હતો. આરોપીઓની કબૂલાતના આધારે પોલીસે ચોરીની ૨ એક્ટિવા અને રૂ. 20 હજારની રોકડ રકમ સહિત કુલ રૂ. 90,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ પણ વાંચો: Surat:રોગચાળો રોકવા SMCએ 5.91 લાખ ઘરો તપાસ્યા, મચ્છરોના બ્રીડિંગ બદલ 28 લાખથી વધુનો દંડ