દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની જામતી ઋતુ સાથે જ સુરત શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો (મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા) નો ઉપદ્રવ ન વધે તે માટે સુરત મહાનગરપાલિકા નું આરોગ્ય તંત્ર યુદ્ધના ધોરણે મેદાનમાં ઊતર્યું છે. રોગચાળાને શરૂઆતી તબક્કે જ ડામી દેવાના હેતુથી મનપાની હેલ્થ ટીમો દ્વારા જુલાઈ માસ દરમિયાન સમગ્ર શહેરના વિવિધ ઝોનમાં આક્રમક ચેકિંગ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. આ ડ્રાઇવ અંતર્ગત આરોગ્ય વર્કરો દ્વારા શહેરના 5,91,086 ઘરોની પ્રત્યક્ષ મુલાકાત (ડોર-ટુ-ડોર ચેકિંગ) લઈને ધાબા, કુલર, પાણીના ટાંકા અને કુંડાઓની તપાસ કરવામાં આવી હતી.
શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો ઉપદ્રવ
સઘન તપાસ દરમિયાન શહેરમાંથી 8,817 જેટલા સ્થળોએ મચ્છરોના લાર્વા/બ્રીડિંગ મળી આવ્યા હતા. SMC ની ટીમ દ્વારા ત્વરિત પોટાશ અને મચ્છરનાશક દવાઓનો છંટકાવ કરીને આ બ્રીડિંગનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. મચ્છરોની ઉત્પત્તિ થાય તેવી બેદરકારી દાખવનારા અને મનપાના હેલ્થ પ્રોટોકોલનો ભંગ કરનારા ૩,૩૪૩ લોકોને કારણદર્શક નોટિસ ફટકારીને રૂ. 15,79,600 નો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો હતો.
