અમદાવાદ શહેરની શાન ગણાતા અને ગાંધીનગરને જોડતા એસ.જી. હાઇવે (સરખેજ-ગાંધીનગર હાઇવે) પરથી પસાર થતાં લાખો વાહનચાલકો માટે ચોમાસું મુસીબત બનીને આવ્યું છે. એસ.જી. હાઇવે પર ઠેર-ઠેર નાના-મોટા ભુવા અને મસમોટા ખાડાઓ પડી ગયા છે.સૌથી વધુ ખરાબ અને દયનીય સ્થિતિ એસ.જી. હાઇવે પર આવેલા અંબાજી મંદિર નજીકના રોડ પર જોવા મળી રહી છે. અહીં રોડ વચ્ચે જ એવા ઊંડા ખાડા પડ્યા છે કે દ્વિચક્રી વાહનચાલકો સ્લિપ થઈને પડી રહ્યા છે અને ફોર વ્હીલર વાહનોના સસ્પેન્શન તૂટી રહ્યા છે.
એસ.જી. હાઇવે પર ઠેર-ઠેર ખાડાઓ
https://twitter.com/sandeshnews/status/2082710248377528571
એસ.જી. હાઇવે પર ઠેર-ઠેર મસમોટા ખાડાઓ
ક્ષેત્રમાંથી પસાર થતાં દૈનિક વાહનચાલકોએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, "આ રોડ તંત્ર દ્વારા માત્ર ૩ મહિના પહેલા જ નવો બનાવવામાં આવ્યો હતો." ૩ માસ અગાઉ જ કરોડોના ખર્ચે બનેલો રોડ એક જ વરસાદમાં ધોવાઈ જતાં રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર અને સુપરવાઈઝર અધિકારીઓની મિલીભગત તેમજ ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે.
સાંજના સમયે કલાકો સુધી ટ્રાફિકજામ
એસ.જી. હાઇવે પરથી રોજિંદા હજારો નોકરીયાતો અને ધંધાર્થીઓ પસાર થાય છે. ખાડાઓમાંથી વાહનો ધીમે હાંકવા પડતા હોવાથી તેમજ ખાડા બચાવવાના પ્રયાસમાં સાંજના સમયે અંબાજી મંદિર પાસે રોડ પર વાહનોની લાંબી કતારો લાગી જાય છે, જેના કારણે કલાકો સુધી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે.સ્થાનિકો અને વાહનચાલકોનો આરોપ છે કે રોડ બિસ્માર બન્યાને દિવસો વિતી ગયા હોવા છતાં સંબંધિત માર્ગ અને મકાન વિભાગ કે AMC તંત્ર દ્વારા ખાડા પૂરવાની કે કપચી-મેટલ નાખવાની પણ કોઈ પ્રાથમિક કામગીરી હાથ ધરવામાં આવી નથી. વાહનચાલકો તાત્કાલિક ધોરણે આ ખાડાઓનું પેચવર્ક કરવા માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Ahmedabad: વરસાદમાં આનંદનગર તળાવ અને મકરબા ગાર્ડનના વોક-વે તૂટ્યા, તંત્રના કામની ગુણવત્તા સામે સવાલ ઊભા થયા