નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે જંગલની જમીન પરના ખેડાણ મુદ્દે આદિવાસી ખેડૂતો દ્વારા રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ આદિવાસી ખેડૂતોના સમર્થનમાં ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા. આ દરમિયાન વહીવટી તંત્ર, પોલીસ અને જનપ્રતિનિધિઓ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. આ સ્થળે ભાજપના સાંસદ મનસુખ વસાવા અને સુરત જિલ્લાના ઉમરપાડાના ફોરેસ્ટ અધિકારીઓ તેમજ પોલીસ કાફલા વચ્ચે તકરાર થઈ હતી અને ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા.
કેટલાક પોલીસ અને વન કર્મીઓએ અપશબ્દો કહ્યાનો આક્ષેપ
આ ઘર્ષણ દરમિયાન કેટલાક પોલીસ અને વન કર્મીઓએ સાંસદ મનસુખ વસાવા સામે અત્યંત અશોભનીય વર્તન કરીને અભદ્ર ગાળો બોલી હોવાનો આક્ષેપ થતાં જ ભારે ચકચાર મચી ગઈ છે. ભાજપના સાંસદ અને ઉમરપાડા પોલીસ તથા વનકર્મીઓ આમને-સામને આવી જતાં સ્થિતિ ભારે વણસી હતી. જોકે, સાંસદને ગાળો બોલનાર વન કર્મીઓ અને પોલીસ કર્મીઓ કોણ હતા તે અંગેની વિગતો હજુ સુધી સામે આવી નથી. પરંતુ આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે.
