નર્મદા જિલ્લામાં આદિવાસીઓના હક અને અધિકારોના મુદ્દાને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા ઉજવવામાં આવતો જનજાતીય ગૌરવ દિવસ માત્ર કાગળ પર જ સીમિત છે અને વાસ્તવિકતામાં આદિવાસી સમાજના હકો છીનવાઈ રહ્યા છે. ભાજપના શાસનમાં આદિવાસીઓને ન્યાય ન મળતો હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
80 હજાર વન અધિકાર સનદોની જાહેરાતો પોકળ
કોંગ્રેસે સરકાર દ્વારા જંગલ જમીનની 80,000 જેટલી સનદો આપવાની વાતોને સંપૂર્ણપણે પોકળ ગણાવી છે. કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર દ્વારા 2006 માં વન અધિકાર અધિનિયમ (FRA Act 2006) બનાવવામાં આવ્યો હતો. આ કાયદાને લાગુ થયાના 20 વર્ષ વીતી ગયા હોવા છતાં અને રાજ્યમાં જંગલ જમીનના 1.5 લાખ થી વધુ દાવાઓ હજુ પણ પેન્ડિંગ કેમ પડ્યા છે, તેવો મોટો સવાલ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.
15 નવેમ્બરે નસવાડીમાં યોજાશે ભવ્ય 'ઉલગુલાન સભા'
આદિવાસી સમાજના પ્રશ્નો અને પડતર માંગણીઓને લઈને સરકારને ઘેરવા માટે કોંગ્રેસ અને આદિવાસી આગેવાનો દ્વારા રણનીતિ ઘડવામાં આવી છે. ભગવાન બિરસા મુંડાજીની 151 મી જન્મજયંતિ એટલે કે 15 નવેમ્બર ના રોજ નર્મદા પંથકના નસવાડી ખાતે ભવ્ય 'ઉલગુલાન સભા' નું આયોજન કરવામાં આવ્યું છે. આ સભાના માધ્યમથી સરકારની નીતિઓની પોલ ખોલવામાં આવશે, અને આદિવાસી સમાજને તેમના હકો અપાવવા માટે રણશંખ ફૂંકવામાં આવશે.
વહીવટી તંત્ર અને સરકાર સામે ઉઠતા સવાલો
આદિવાસી વિસ્તારોમાં જમીન અને વન અધિકારોના પ્રશ્નો વર્ષોથી વણઉકેલાયેલા રહ્યા છે, ત્યારે વિપક્ષના આ આક્રમક તેવરથી રાજકીય માહોલ ગરમાયો છે. આગામી 15 નવેમ્બરે યોજાનારી ઉલગુલાન સભામાં મોટી સંખ્યામાં આદિવાસી વસ્તી એકત્ર થઈને સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરે તેવી સંભાવના છે, જેને લઈને સ્થાનિક તંત્ર પણ સતર્ક બન્યું છે.
આ પણ વાંચો: Narmada News: વન અધિકારની સનદ હોય તેમને જ જમીનના હક મળશે: સાંસદ મનસુખ વાસાવાનો આક્ષેપ