નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા હેઠળ આવેલા ખોપી ગામે સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લઈને જંગલ જમીન ખેડૂતો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સાગબારા પંથકના અંદાજે 12 થી 15 જેટલા ગામોના આદિવાસી ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. સાંસદે તમામ ખેડૂતો સાથે રૂબરૂ સીધો સંવાદ સાધીને જમીનના વણઉકેલાયેલા પ્રશ્નો તેમજ વર્તમાન પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી જાણી હતી. વન અધિકાર મેળવવામાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓની સ્થળ પર સમીક્ષા કરવામાં આવી હતી. ખોપી ગામની આ મુલાકાત બાદ સમગ્ર સાગબારા તાલુકામાં જંગલ જમીન અને વન અધિકારનો પેચીદો મુદ્દો ફરી એકવાર જોરશોરથી ગરમાયો છે.

ખોપી ગામના ખેડૂતોને જંગલ જમીન આપવા માંગતા નથી

બેઠક દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ઉમરપાડાના ખેડૂતો અને વન વિભાગના કર્મચારીઓ ખોપી ગામના ખેડૂતોને જંગલ જમીન આપવા માંગતા નથી. વન વિભાગના ઉચ્ચ અને સ્થાનિક અધિકારીઓ આદિવાસીઓને જંગલ જમીનના કાયદેસર હકો આપવા તૈયાર નથી. જેના કારણે સાગબારા તાલુકાના 10 થી 15 ગામોમાં જંગલ જમીનના અધિકારનો પ્રશ્ન વધુ ગંભીર બન્યો હોવાનું સાંસદે જણાવ્યું હતું. સમગ્ર નર્મદા જિલ્લામાં 15 ગામોના ખેડૂતોના પ્રશ્નો સામે અત્યાર સુધીમાં માત્ર 12 થી 16 લોકોને જ જમીનના હકો મળવાની વિષમ સ્થિતિ સર્જાઈ છે. સેટેલાઇટ સર્વેમાં રહેલી ગંભીર ટેકનિકલ ખામીઓને કારણે કેટલાક વાસ્તવિક આદિવાસી ખેડૂતો પોતાના જમીન અધિકારથી વંચિત રહી જવાની મોટી ભીતિ ઊભી થઈ છે.

ખેડૂતો ફરી આંદોલનના માર્ગે જાય તેવા સ્પષ્ટ એંધાણ

સાંસદ મનસુખ વસાવાએ સ્પષ્ટતા કરી હતી કે જે ખેડૂતો પાસે વન અધિકારની સનદ છે તેમને જ સરકાર જમીનના હકો આપશે.વન અધિકાર મેળવવા માટે ખેડૂતો 6 થી 7 પ્રકારના સત્તાવાર પુરાવા રજૂ કરી શકે છે. ખેડૂતો દ્વારા વન વિભાગની દંડની પહોંચ, ખેતી કરતા હોવાના જૂના પુરાવા અને સેટેલાઇટ રેકોર્ડના આધારે પણ કાયદેસર વન અધિકાર માટે દાવો કરી શકાય છે. સાંસદે આદિવાસી ખેડૂતોને શીખ આપી હતી કે કોઈપણ રાજકીય પક્ષ કે અન્ય વ્યક્તિની વાતોમાં આવીને કોઈ ઉતાવળિયો નિર્ણય ન લેવો. જમીનના કાયદેસર હક મેળવવા માટે તમામ ખેડૂતોએ એકજૂથ થઈને મજબૂત લડત આપવી પડશે. આ સમગ્ર પરિસ્થિતિ અને સંજોગો જોતાં ખેડૂતો ફરી આંદોલનના માર્ગે જાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Kishtwar News: કિશ્તવાડના જંગલમાંથી ગુમ થયેલા બે SPOના મૃતદેહ મળ્યા, આતંકીઓએ ગોળીઓથી વીંધી નાખ્યા